Monday, October 14, 2019

શ્રીમદ ભાગવત કથા ગુજરાતીમાં (માહાત્મ્ય -અધ્યાય -૧ થી ૬ )વાંચો અહીં ક્રમશ:


પ્રિય વાચક મિત્રો,

હવે જ્યારે દિવાળીના પવિત્ર દિવસો આવી રહ્યા છે ત્યારે પવિત્ર ભાગવત મહા પુરાણ ક્રમશ: અહીં વાંચવાનો  લ્હાવો જરૂર લેશો"માય ગુજરાતી બૂક્સ બ્લોગ" વતી મહેન્દ્ર ભટ્ટની દિવાળી ની તેમજ નવા વર્ષની આપ તેમજ આપના કુટુંબીજનોને ખુબ ખુબ શુભકામનાઓ  તેમજ જય શ્રી કૃષ્ણ.

શ્રીમદ ભાગવત કથા 



કથા મહાત્મ્ય


અધ્યાય પહેલો

દેવર્ષિ નારદની ભક્તિ સાથે મુલાકાત

સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને આપણે વંદન કરીયે છીએ જેઓ જગતનું સર્જન,પોષણ અને સંહાર માટે
તથા આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય પ્રકારના તાપોનું નાશ કરનારા છે.
જે સમયે શુકદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતો થયો અને લૌકિક વૈદિક કર્મોના અનુષ્ઠાનનો સમય પણ નહોતો આવ્યો ત્યારે તેમને એકલા સન્યાસ લેવા માટે ઘરની બહાર જતા જોઈ તેમના પિતા વ્યાસજી વ્યગ્ર થઇ કહેવા લાગ્યા,
"બેટા! બેટા! તું ક્યાં જાય છે?"તે સમયે વૃક્ષઓએ તન્મય થઇ શુકદેવજી તરફથી જવાબ આપ્યો હતો,એવા સંપૂર્ણ હૃદય સ્વરૂપ શ્રી શુકદેવજી મુનિને હું પ્રણામ કરું છું.
એકવાર નૈમિષારણ્યમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં કુશળ મુનિવર શૌનકજીએ ત્યાં ઉપસ્થિત મહામતિ સુતજીને વંદન કરતા પૂછ્યું,

"સુતજી,આપનું જ્ઞાન,અજ્ઞાનના અંધકારને દૂર કરવા કરોડો સૂર્ય સમાન છે.તમો અમને રસાયણ અમૃત સ્વરૂપ સારયુક્ત કથા કહો.ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી પ્રાપ્ત થતા મહાવિવેક ની બુદ્ધિ કયા પ્રકારની હોય છે.અને વૈષ્ણવો કેવી રીતે માયા અને મોહથી મુક્તિ મેળવે છે.આ ભયંકર કળીકાળમાં જીવો સામાન્ય રીતે ક્રૂર સ્વભાવના થઇ ગયા છે.જુદા જુદા કલેશોને આક્રંદથી આ જીવો ને દેવીમય શુદ્ધ બનવાનો ઉપાય શું છે?"

"સુતજી તમો અમને એવું સટોચ સાધન બતાવો જે સર્વશ્રેષ્ઠ શુભ અને પવિત્ર કરે તેવું હોય જે પરમાત્મા શ્રી કૃષ્ણજીની પ્રાપ્તિ કરાવી દે.ચિંતામણી ફક્ત ભૌતિક સુખ આપી શકે છે.અને કલ્પવૃક્ષ વધારામાં વધારે સ્વર્ગનું સુખ આપી શકે છે.પણ ગુરુદેવ પ્રસન્ન થતા ભગવાનનું યોગી દુર્લભ વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ કરાવે છે"
સુતજીએ કહ્યું,
"શૌનકજી તમારા હૃદયે ભગવાન માટે પ્રેમ છે એટલે હું વિચારીને તમને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સંભળાવું છું જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરી દે છે.જે ભક્તિનો પ્રવાહ વધારે છે અને ભગવાનશ્રી કૃષ્ણની પ્રસન્નતાનું કારણ છે તે બતાવું છું,તે સાવધાન થઈને સાંભળો."

"શ્રી શુકદેવજીએ કળિયુગમાં જીવોનું સાપના કાળરૂપી મુખમાં કોળિયા થવાના ત્રાસનો નાશ કરવા શ્રીમદ ભાગવતનું પ્રવચન કર્યું છે મનને શુદ્ધ કરવા તેનાથી ઉત્તમ કોઈ સાધન નથી.જયારે મનુષ્યોનો જન્મજન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે.જયારે શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા સભામાં વિરાજમાન થયા ત્યારે દેવો અમૃતનો કળશ લઈને તેમની પાસે આવ્યા. દેવો તેમનું કામ પૂર્ણ કરવામાં ખુબ કુશળ હોય છે એટલે અહીં પણ શુકદેવજીને નમસ્કાર કહીને કહ્યું,'તમો આ કળશ લઈને અમોને બદલામાં કથા સંભળાવવાનું દાન કરો.આ રીતે એકબીજાને વિનિમય થવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરે અને અમો  બધા શ્રીમદ ભાગવતકથા  રૂપી અમૃતનું પાન કરીશું. આ દુનિયામાં ક્યાં કાચ અને ક્યાં અતિ કિંમતી મણિ અને ક્યાં સુધા અને ક્યાં કથા? આ જોઈને શ્રી શુકદેવજીએ દેવતાઓની હસી ઉડાવી મજાક કરી,તેઓને ભક્તિમાં શૂન્ય સમજી તેમને કથામૃતનું દાન ન કર્યું.આવી રીતે આ શ્રીમદ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે.

પ્રાચીન સમયમાં શ્રીમદ ભાગવત કથા સાંભળીને રાજા પરીક્ષિતની મુક્તિ થઇ તે જોઈને બ્રહ્માજીને ખુબ જ અચંબો લાગ્યો હતો. તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધા સાધનોનું વજન કર્યું.પોતાના મહત્વને લીધે શ્રીમદ ભાગવત સિવાય સહુ સાધનો વજનમાં હલકા પડી ગયા.તે જોઈને સહુ ઋષિયોને ખુબ આશ્ચર્ય થયું.તેમણે કળિયુગમાં ભાગવતશાસ્ત્રને જ વાંચતા અને સાંભળતા તરત મોક્ષ આપવા વાળું માન્યું.સપ્તાહ વિધિથી સાંભળવાથી તે જરૂર ભક્તિ આપે છે.પૂર્વકાળમાં દયાપરાયણ સનકાદિકે દેવર્ષિ નારદને સંભળાવ્યું હતું. જોકે નારદજીએ તે પહેલા બ્રહ્માજી પાસે તે સાંભળી લીધું હતું,.છતાંપણ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિકે જ બતાવી હતી.
શૌનકજીએ પૂછ્યું,
"સંસારના પ્રપચોથી  વિમુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિક સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાનને સાંભળવામાં તેમને લગન કેવી રીતે લાગી?"
સુતજીએ કહ્યું,
"હવે હું તમને આ ભક્તિપૂર્ણ કથાનક  સંભળાવું છું જે શ્રી શુકદેવજીએ મને પોતાનો ખાસ શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું.એક વખત વિશાલપુરીમાં  તે ચારો પવિત્ર ઋષિયો સત્સંગ માટે આવ્યા.ત્યાં એમણે નારદજીને જોયા.સનકાદીકે પૂછ્યું,
"બ્રહ્માન તમારો ચહેરો નિરાશ કેમ થઇ રહ્યો છે?,તમો ચિંતાતુર કેમ છો?,આટલા જલ્દી જલ્દી તમો ક્યાં જઈ રહ્યા છો?,અને તમારું આગમન ક્યાંથી થયું છે?,આ સમયે તો તમો કોઈનું  ધન લૂંટાઈ ગયું હોય તેવા પુરુષ જેવા દેખાઈ રહ્યા છો. તમારા જેવા આશક્તિરહિત પુરુષો માટે તે યોગ્ય નથી.તેનું કારણ બતાવો."નારદજીએ કહ્યું,
" હું સર્વોત્તમ લોક સમજીને પૃથ્વી ઉપર આવ્યો હતો,અહીં પુષ્કર,પ્રયાગ,કાશી,ગોદાવરી(નાસિક),હરિદ્વાર,કુરુક્ષેત્ર,શ્રીરંગ,અને સેતુબંધ વગેરે તીર્થોમાં આમતેમ ફરતો રહ્યો પણ મનને સંતોષ થાય તેવી શાંતિ ક્યાંય ન મળી.અત્યારે અધર્મને સહાય કરનાર કલિયુગે આખી પૃથ્વીને દુઃખી કરી નાખી છે.હવે અહીં સત્ય,તપ, શૌચ(અંદર બહારની પવિત્રતા),દયા, દાન જેવું  કઈ પણ નથી.ગરીબ જીવો ફક્ત પોતાના પેટ ભરવામાં રચ્યા પચ્યા રહે છે.તે અસત્યપાપી,આળસુ,મંદબુદ્ધિ,કમનસીબ વગેરેથી પીડાય છે.જે સાધુ સંતો કહેવાય છે તે પાખંડી થઇ ગયા છે.દેખાવમાં તે વિરક્ત છે પણ સ્ત્રી ધન બધાજ સ્વીકારે છે.ઘરોમાં સ્ત્રીઓનું રાજ છે.બધાજ સલાહકાર થઇ ગયા છે.લોભને કારણે સ્ત્રીઓ પણ વેચાઈ છે.અને સ્ત્રી પુરુષોમાં કલેશ થતો રહે છે.મહાત્માઓના આશ્રમો,તીર્થો અને નદીયો પર યવનો(અધર્મી) નો અધિકાર થઇ ગયો છે.તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ તોડી નાખ્યા છે.અત્યારે અહીં કોઈ યોગી કે સિદ્ધ નથી,કોઈ સત્કર્મી કે જ્ઞાની નથી.બધાજ સાધનો અત્યારે કળિયુગના દાવાનળમાં બળીને ખાક થઇ ગયા છે.આ કળિયુગમાં સહુ દેશવાસી બજારોમાં અન્ન વેચવા મંડ્યા છે,બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે.અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ કરીને ગુજરાન કરવા લાગી છે.

આવી રીતે કળિયુગના દોષોને જોતો પૃથ્વી પર ફરતો ફરતો હું યમુના નદીને કિનારે આવ્યો.જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થઇ ચુકી છે.મુનિવરો સાંભળો, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું.ત્યાં એક સ્ત્રી દુઃખી મનથી બેઠી હતી.તેની પાસે બે વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં પડેલા જોર જોરથી શ્વાસ લઇ રહ્યા હતા.તે તરુણી યુવતી તેઓની સેવા કરતી કરતી તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી હતી અને ક્યારેક તેમની સામે રડી પડતી હતી.તે આપણા રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં શોધી રહી હતી. તેની આજુબાજુ સેંકડો સ્ત્રીઓ તેને પંખો નાખતી વારંવાર સમજાવતી હતી.દૂરથી આ દ્રશ્ય જોઈને કુતુહુલતાથી હું તેની પાસે પહોંચી ગયો.મને જોઈને તે યુવતી ઉભી થઇ ગઈ અને ખુબ જ વ્યાકુળતાથી  કહેવા લાગી,યુવતીએ કહ્યું,

"અરે મહાત્માજી થોડીવાર ઉભા રહો અને મારી ચિંતાઓનો નાશ કરો.તમારા દર્શન તો દુનિયાના બધા પાપોને સર્વથા નાશ કરી દેનારા છે.તમારા વચનોથી મારા દુઃખો પણ ઘણા બધા શાંત થઇ જશે.મનુષ્યનું જયારે નસીબ ઉઘડે ત્યારે આપના દર્શન થતા હોય છે."નારદજી કહે છે ત્યારે મેં તે સ્ત્રી ને પૂછ્યું,

"દેવીજી તમે કોણ છો? આ બંને પરુષો તમારા કોણ છે? અને તમારી પાસે આ કમળના નયનોવાળી દેવીઓ કોણ છે? તમે મને વિસ્તારથી તમારા દુઃખનું કારણ સમજાવો."યુવતીએ કહ્યું,

"મારુ નામ ભક્તિ છે,આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે.સમયના ફેરફારથી તે આવા જર્જરિત થઇ ગયા છે.આ દેવીઓ ગંગા જેવી નદીયો છે તેઓ મારી સેવા કરવા આવી છે.આ રીતે સાક્ષાત દેવિયો સેવા કરતી હોવા છતાં મને સુખ શાંતિ નથી.તપોધન,હવે ધ્યાન દઈને મારો વૃતાન્ત સાંભળો.મારી કથા એમ તો પ્રસિદ્ધ છે છતાંપણ તેને સાંભળીને મને શાંતિ આપો.
હું દ્રવિડ દેશમાં જન્મી,કર્ણાટકમાં મોટી થઇ મહારાષ્ટ્રમાં ક્યાંક મને સન્માન મળ્યું ,પણ ગુજરાતમાં મને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધી.ઘોર કળિયુગના પ્રભાવે પાખંડીયોએ મને અંગ ભંગ કરી નાખી.લાંબા સમય સુધી આ અવસ્થા રહેવાથી હું મારા પુત્રો સાથે દુર્બળ અને નિસ્તેજ થઇ ગઈ,.હવે વૃંદાવન આવી ત્યારથી હું ફરી પરમ સુંદર સ્વરુપમાન નવયુવતી બની ગઈ છું. પણ સામે પડેલા મારા પુત્રો થાકથી માંદા પડી દુઃખી થઇ રહ્યા છે.હવે હું આ સ્થાન છોડીને બીજે જવા ચાહું છું.આ બંને વૃદ્ધ થઇ ગયા છે એ દુઃખથી હું દુઃખી છું.હું તરુણી કેમ અને તે બંને વૃદ્ધ કેમ? અમો ત્રણેય સાથે સાથે રહીયે છીએ તો પછી આવી વિપરીત દશા કેમ? થવું તો એવું જોઈએ કે માતા વૃદ્ધ અને પુત્રો યુવાન.
એટલે મારા મનથી નવાઈપામી મારી આ અવસ્થા પર હું શોક કરી રહી છું.તમો ખુબ જ બુદ્ધિશાળી અને યોગનિધિ છો તો બતાવો ,આનું કારણ શું છે?"

 નારદજીએ કહ્યું,
"સાધ્વીજી હું મારા હૃદયમાં જ્ઞાનદૃષ્ટિથી આપના પુરેપુરા દુઃખનું કારણ જોઉ છું તમારે દુઃખનો વિષાદ ન કરવો જોઈએ. ભગવાન શ્રી હરિ તમારું કલ્યાણ કરશે."
સુતજી કહે છે,મુનિવર નારદજીએ ફક્ત એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું
નારદજીએ કહ્યું,
"દેવી સાવધાન થઈને સાંભળો. આ ભયંકર કળિયુગ છે.તેનાથી અત્યારે સદાચાર,યોગમાર્ગ અને તપ વગેરે નાશ પામ્યા છે.લોકો ક્રૂરતા અને દુષ્કર્મમાં ખોવાઈને રાક્ષસ બની રહ્યા છે.સંસારમાં સારા માણસો દુઃખોથી પીડાય છે અને દુષ્ટો સુખી થઇ રહ્યા છે.આ સમયે બુદ્ધિમાન પુરુષ ધીરજ રાખી શકે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે.પૃથ્વી દરેક વર્ષે શેષ નાગ માટે ભારરુપી થતી જાય છે.અત્યારે તે અડકવા તો શું પણ દેખાવાલાયક પણ નથી રહી અને નહિ તેમાં કોઈ સુખ દેખાઈ રહ્યું છે.હવે કોઈને તું તારા પુત્રો સાથે નથી દેખાતી,વિષયાનુરાગથી આંધળા થયેલા જીવોથી ઉપેક્ષિત થઈને તું જર્જર થઇ રહી છે.વૃંદાવનના સંયોગથી તું ફરી નવયુવતી થઇ ગઈ છે. એટલે આ વૃંદાવન ધામ ધન્ય છે જ્યાં ભક્તિ નૃત્ય કરી રહી છે.પણ તારા બંને પુત્રો માટે અહીં કોઈ રુચતું નથી જેથી તેઓની વૃદ્ધાવસ્થા છૂટતી નથી.અહીં તેમને આત્મસુખ(ભગવતી આનંદ) મળવાથી તેઓ સુતેલા દેખાઈ રહ્યા છે.
 ભક્તિએ કહ્યું,
"રાજા પરીક્ષિતે આ પાપી કલિયુગને શા માટે રહેવા દીધો? તેના આવવાથી બધી ચીજોનો સાર ક્યાં જતો રહ્યો? કરુણાનિધાન શ્રી હરિથી પણ આ અધર્મ કેમ જોયો જાય છે?મુનિજી મારો આ સંદેહ દૂર કરો.તમારા કહેવાથી મને ખુબ શાંતિ મળી છે." નારદજીએ કહ્યું,
"બાલિકા જો તે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળ.કલ્યાણી, હું તને બધું બતાવીશ અને તારું દુઃખ દૂર થઇ જશે.જે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી લોક છોડી પોતાના પરમધામ ગયા ત્યારથી બધા સાધનોમાં વાંધો નાખનાર કળિયુગ આવી ગયો.દિગ્વિજય કરવા નીકળેલા રાજા પરીક્ષિતની નજર તેના પર પડી તો તે ગરીબની માફક તેના શરણમાં આવી ગયો.રાજાએ સમજી વિચારીને એ નિર્ણય કર્યો કે આનો વધ મારે ન કરવો જોઈએ,કેમકે જે ફળ,તપસ્યા ,યોગ,અને સમાધિથી પણ નથી મળતું,કળિયુગમાં તે ફળ ફક્ત ભગવાનનું ભજન કીર્તન કરવાથી બહુ જ સારી રીતે મળી જાય છે.આ રીતે તે સાર વગરનો હોવા છતાં તેને એકજ આ સારી દ્રષ્ટિથી વિચારીને  કળિયુગમાં જીવોના સુખો માટે તેને રહેવા દીધો હતો.

આ સમયે લોકોના કુકર્મ વ્યાપવાથી બધી વસ્તુઓ અસાર થઇ ગઈ છે.અને દુનિયાના બધા પદાર્થો બીજ વગરના કચરા જેવા થઇ ગયા છે.બ્રાહ્મણો ખાલી અન્ન ધન ના લોભી થઈને ઘરેઘરમાં અથવા લોકોમાં ભગવાન શ્રી હરિની કથાઓ કહેવા લાગ્યા છે.એટલે કથાઓનો સાર જતો રહ્યો છે.તીર્થોમાં થોડાક ખરાબ ધંધા કરનારા,નાસ્તિક અને નારકી પુરુષો રહેવા લાગ્યા છે.એટલે તિર્થોનો પ્રભાવ પણ જવા મંડ્યો છે.જેમના મન સતત કામ ક્રોધ અને મહા લોભથી પીડાતા રહ્યા છે તેઓ પણ તપશ્યાનો ઢોગ કરવા લાગ્યા છે એટલે તપનો મહિમા પણ જતો રહ્યો છે.મન પર કાબુ ન હોવાથી અને લોભ દંભ અને પાખંડનો આશ્રય લેવાથી એટલે શાસ્ત્રનો અભ્યાસ ન કરવાથી ધ્યાન યોગનું ફળ જતું રહ્યું છે.પંડિતોની એવી અવદશા છે કે તેઓ પોતાની પત્ની સાથે ઢોર જેવો વર્તાવ અને ફક્ત સંતાન પ્રાપ્ત કરવાની કુશળતા છે જયારે મુક્તિ માર્ગે તેઓ સદા અકુશળ છે.સાંપ્રદાયુક્ત પ્રાપ્ત થયેલી વૈષ્ણવતા પણ જોવા મળતી નથી.એવી રીતે બધી જગયાઓમાં વસ્તુઓનો સાર  ખોવાઈ ગયો છે.આ તો આ યુગનો સ્વભાવ છે તેમાં કોઈનો દોષ નથી.તેનાથી પુંડરિક્સ ભગવાન ખુબ નજીક હોઈને બધું સહન કરી રહ્યા છે.

સુતજી કહે છે,શૌનકજી આવી રીતે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ખુબ આશ્ચર્ય થયું પછી તેણે જે કહ્યું તે સાંભળો.

ભક્તિએ કહ્યું,
"દેવર્ષિ તમો ધન્ય છો હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમારો મેળાપ થયો.સંસારમાં સાધુઓનું દર્શન જ બધી સિદ્ધીઓનું કારણ છે.તમારો એક જ વખત ઉપદેશ સાંભળીને કયાધુપુત્ર પ્રહલાદે માયા પર વિજય પ્રાપ્ત કર્યો હતો.ધ્રુવે પણ તમારી કૃપાથી ધ્રુવપણું પ્રાપ્ત કર્યું હતું.તમો સર્વમંગલકારી બ્રહ્માજીના પુત્ર છો હું તમોને પ્રણામ કરું છું.

અધ્યાય-બીજો

ભક્તિનું દુઃખ દૂર કરવા મુનિવર નારદજીનો પ્રયાસ 


નારદજીએ કહ્યું,
"બાળા ! તું નાહક પોતાને શા માટે દુઃખી કરે છે?  અરે ! તું શા માટે આટલી ચિંતાતુર છે? ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલનું ધ્યાન કર ,તેમની દયાથી તારા બધાજ દુઃખો દૂર થઇ જશે.જેમણે કૌરવોના અત્યાચારથી દ્રૌપદીની રક્ષા કરી હતી.અને ગોપ સુંદરીઓને સનાથ કરી હતી.તે શ્રી કૃષ્ણ ક્યાંય જતા થોડા રહ્યા છે. તું તો ભક્તિ છે અને તેમને તું પ્રાણોથી પણ પ્યારી છે તારા કહેવાથી તો ભગવાન નીચના  ઘરોમાં પણ જતા રહે છે.સત્ય,ત્રેતા અને દ્વાપર-એ ત્રણેય યોગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધનો હતા.પણ કળિયુગમાં તો ફક્ત ભક્તિ જ વૈકુંઠ અથવા મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે.તે સમજીને જ પરમાનંદ જેવાં જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત સ્વરૂપમાં તને બનાવી છે.તું સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રની પ્રિયા અને પરમ સુંદરી છો.એક વખત હાથ જોડીને તે પૂછ્યું હતું કે 'હું શું કરું ?'ત્યારે ભાન શ્રી એ તને એ આજ્ઞા કરી હતી કે 'મારા ભક્તોનું પોષણ કર.'તે ભગવાન શ્રીની આ આજ્ઞાનો સ્વીકાર કર્યો હતો.તેનાથી શ્રી હરિ તારા પર ખુબ પ્રસન્ન થયા અને તારી સેવામાં મુક્તિને દાસી બનાવી અને આ જ્ઞાન અને વૈરાગ્યને પુત્રો બનાવ્યા.તું તારા સાક્ષાત સ્વરૂપમાં સ્વર્ગમાં જ ભક્તોનું પોષણ કરે છે.પૃથ્વી પર તો તેની પુષ્ટિ માટે તે છાયા સવરૂપ જ ધારણ કરેલું છે.

ત્યારે તું મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ધરતી પર આવી.અને સતયુગથી દ્વાપર દરમ્યાન ખૂબ જ આનંદથી રહી.કળિયુગમાં તારી દાસી મુક્તિ પાખંડથી પીડિત થઈને ક્ષીણ થઇ રહી હતી એટલે તારી આજ્ઞાથી તે તરત વૈકુંઠલોકમાં જતી રહી.આ લોકમાં પણ તે તારું સ્મરણ કરવાથી આવે છે અને પછી જતી રહે છે.પણ આ જ્ઞાન વૈરાગ્યને તે પુત્ર માનીને તે રાખ્યા છે છતાં પણ  કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તારા આ પુત્રો ઉત્સાહ વગરના અને વૃદ્ધ થઇ ગયા છે. છતાંપણ ચિંતા ન કરતી હું તેના નવા જીવનનો ઉપાય વિચારું છું.સુંદરી કળિયુગના જેવો કોઈ યુગ નથી.આ યુગમાં હું તને ઘરે ઘરમાં સ્થાપિત કરી દઈશ.જો,બીજા બધા ધર્મો ને દબાવીને અને ભક્તિના અવસરોને આગળ રાખીને જો મેં લોકોમાં તારો પ્રચાર ન કર્યો તો હું શ્રી હરિનો દાસ નહિ.

આ કળિયુગમાં જે જીવો પાપી હોવા છતાં તારે શરણે હશે તેઓ અચૂક ભગવાન શ્રી હરિના ધામને પ્રાપ્ત કરશે.જેના હૃદયમાં ભક્તિનો વાસ છે તેવા શુદ્ધ હૃદયવાળા પુરુષોને  સ્વપ્નમાં પણ યમરાજાને નથી જોતા.જેમના હૃદયમાં ભક્તિ મહારાણીનો નિવાસ છે તેમને પ્રેત,પિશાચ,રાક્ષસ અથવા દૈત્ય વગેરે શક્યતાથી પણ સ્પર્શ  કરવામાં  સમર્થ નથી હોતા.ભગવાન  વેદ અધ્યયન જ્ઞાન  અને કર્મ આદિ કોઈ પણ સાધનોથી વશમાં નથી કરી શકતા.તેઓ ફક્ત ભક્તિથી જ વશીભૂત થાય છે.તેમાં ગોપીજનો
પ્રમાણ રૂપ છે.મનુષ્યોના હજારો જન્મોના પુણ્ય પછી ભક્તિમાં અનુરાગ પેદા થાય છે.કળિયુગમાં ફક્ત ભક્તિ અને ભક્તિ જ સાર છે.ભક્તિથી તો શ્રી કૃષ્ણ ભગવાન સામે ઉપસ્થિત થઇ જાય છે.જે લોકો ભક્તિથી દોષિત છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ અને દુઃખ જ મેળવે છે.પૂર્વકાળમાં ભક્તનો તિરસ્કાર કરવામાં દુર્વાશા ઋષિને ખુબ જ દુઃખ ભોગવવું પડ્યું હતું.બસ,બસ -વ્રત ,તીર્થ ,યોગ, યજ્ઞ અને જ્ઞાનની વાતો વગેરે સાધનોની કોઈ જરૂર નથી એક માત્ર ભક્તિ જ મુક્તિ અપાવી શકે છે.

સુતજી કહે છે-આ રીતે નારદજીના નિર્ણાયક માહાત્મ્યને સાંભળીને ભક્તિના બધા અંગો તંદુરસ્ત થઇ ગયા અને તે કહેવા લાગી ભક્તિએ કહ્યું,
"નારદજી તમો ધન્ય છો તમોને મારે માટે ચોક્કસ પ્રેમ છે હું કાયમ તમારા હૃદયમાં રહીશ અને તમને ક્યારેય છોડીને નહિ જાઉં.સાધુ,તમો કૃપાળુ છો અને પળવારમાં તમોએ મારુ દુઃખ દૂર કરી નાખ્યું.પણ હજુ મારા પુત્રોમાં ચેતના આવી નથી તેમને તરત ચેતન કરો ,જગાઓ."
સુતજી કહે છે ભક્તિની વાત સાંભળીને નારદજીને ખુબ જ દયા આવી અને તેના પુત્રોને હાથ હલાવી હલાવીને જગાવવા મંડ્યા.અને પછી તેઓના કાન  નજીક જઈને જોરથી બોલ્યા,
"ઓ જ્ઞાન જલ્દી જાગો.ઓ વૈરાગ્ય જલ્દી જાગો." અને પછી વેદધ્વનિ,વેદાંતઘોષ અને વારંવાર ગીતા પાઠ  કરીને તેમને જગાડ્યા.એટલે તેઓ જેમતેમ કરીને બહુ જોર કરી ઉઠ્યા.પણ આળસને કારણે તેઓ અંગડાઇ લેતા રહ્યા પણ આંખ ઉઘાડીને જોઈ પણ ન શક્યા.તેમના વાળ બગલાના જેવા સફેદ થઇ ગયા હતા.તેમના અંગો સૂકા લાકડાની માફક નિસ્તેજ અને  કઠોર થઇ ગયા હતા.આ રીતે ભૂખ તરસને લીધે તેઓને ફરી સુઈ જતા જોઈ નારદજીને ખુબ ચિંતા થઇ અને તેઓ વિચારવા લાગ્યા,'હવે મારે શું કરવું જોઈએ?'તેઓની આ ઊંઘ અને તેનાથી પણ વધારે તેમની વૃદ્ધાવસ્થા કેવી રીતે દૂર થાય?

શૌનકજી આ રીતે ચિંતા કરતા કરતા તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા.તે વખતે આકાશવાણી થઇ,કે 'મુનિ દુઃખ ન કરો તમારો આ પ્રયત્ન જરૂર પૂરો થશે.દેવર્ષિ આને માટે તમો એક સત્કર્મ કરો,તે કામ તમને સંતશિરોમણી  મહાત્માઓ બતાવશે.તે સત્કર્મનું અનુસ્થાન કરવાથી તેમની ઊંઘ અને વૃદ્ધાવસ્થા જતી રહેશે અને બધે ભક્તિ ફેલાય જશે.'આ આકાશવાણી ત્યાં સહુને બરાબર સંભળાઈ.આ આકાશવાણીથી નારદજીને ખુબ વિસ્મય થયો અને તેઓએ કહ્યું,"મને તો તેનો આશય શું છે તેની ખબર ન પડી."નારદજીએ કહ્યું,
"આ આકાશવાણીએ પણ ગુપ્ત રીતે જ વાત કહી છે.એ નથી બતાવ્યું કે કયા સાધનનો  ઉપીયોગ કરી શકાય કે જેથી કાર્ય સિદ્ધ થાય.તે સંત ન જાણે ક્યાં મળશે અને તે સાધન કેવી રીતે બતાવશે? હવે આકાશવાણીએ જે કહ્યું છે તે પ્રમાણે મારે શું કરવું જોઈએ?"


સુતજી કહે છે ,શૌનકજી! ત્યારે નારદજી જ્ઞાન-વૈરાગ્ય બંનેને ત્યાં છોડી નીકળી ગયા.અને માર્ગમાં દરેક તીર્થોમાં જઈને મળતા મુનીશ્વરોને તે સાધન માટે પૂછવા લાગ્યા.તેમની વાતો બધા સાંભળતા તો હતા પણ કોઈ ઉચિત જવાબ ન આપતા.કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું,કોઈકે કહ્યું-તેના બરાબર જવાબની શોધ જ કઠિન છે.કેટલાક સાંભળીને કઈ બોલ્યા જ નહિ અને કેટલાક પોતાની અવજ્ઞા થશે તેવા ડરથી વાતને ટાળીને ત્યાંથી જતા રહ્યા.ત્રિલોકમાં  મહા ગજબ હાહાકાર મચી ગયો.લોકો આપસમાં ગપસપ કરવા લાગ્યા- ભાઈ ! જયારે વેદધ્વનિ,વેદાંતઘોષ અને ગીતા પાઠ સંભળાવવાથી ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેને  જગાવી ન શક્યા તો બીજો કોઈ ઉપાય નથી.યોગીરાજ નારદજી પોતાને તેનું જ્ઞાન નથી તો ભલા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે?એવી રીતે જેટલા ઋષિયોને તેના વિષે પૂછવામાં આવ્યું તે બધાએ એ જ કહ્યું કે
 આ વાતનો કોઈ ઉકેલ જ નથી.
ત્યારે નારદજી ખુબ ચિંતાતુર થઇ બદરીવનમાં આવ્યા.જ્ઞાન વૈરાગ્યને જગાડવા તેમણે નિર્ણય કર્યો કે 'હું તપ કરીશ.' તે વખતે તેમની સામે કરોડો સૂર્યના તેજ જેવા સનકાદિક મુનિ દેખાયા. તેમને જોઈને મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા,નારદજીએ કહ્યું,
"મહાત્માઓ અત્યારે નસીબજોગે આપ સાથે મળવાનું થયું છે.તમો કૃપા કરીને મને આ ઉપાય બતાવો. તમો બધા ખુબજ બુદ્ધિશાળી અને વિદ્વાન છો.તમો દેખાવમાં પાંચ પાંચ વર્ષના બાળકો લાગો છો પણ છો પૂર્વજોના પણ પૂર્વજ.તમો સદા વૈકુંઠધામમાં નિવાસ કરો છો અને સદા હરિકિર્તન માં રચ્યા પચ્યા રહો છો.ભગવતી લીલામૃતનો રસ સ્વાદ લેતા તેમાં ખોવાઈ જાઓ છો અને એકમાત્ર ભાગવત કથા જ આપના જીવનનો આધાર છે.'હરિશરણમઃ'(ભગવાન જ અમારા રક્ષક છે)એ વાક્ય(મંત્ર) સદા આપના મુખમાં રહે છે તેથી કાળપ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને તકલીફ નથી કરતી.પૂર્વકાળમાં શ્રાપ માત્રથી ભગવાન વિષ્ણુના દરવાનો જય અને વીજય પૃથ્વી પર જઈ પડ્યા હતા અને પછી તમારી દયાથી ફરી સ્વર્ગમાં આવી ગયા હતા. ધન્ય છે, અત્યારે તમારા દર્શન સૌભાગ્યથી થયા છે.હું ખુબ ગરીબ છું અને આપ ખુબ દયાળુ છો માટે આપે મારા પર અવશ્ય દયા કરવી જોઈએ.બતાવો, આકાશવાણીએ જે માટે કહ્યું છે તેનો શું ઉપાય છે અને તેને માટે મારે શું અનુષ્ઠાન કરવું જોઈએ તેનું વિસ્તારથી વર્ણન કરો.ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કેવી રીતે સુખ મળી  શકે છે ? અને કેવી રીતે તેની પ્રેમપૂર્વક બધા વર્ણોમાં પ્રતિષ્ઠા કરી શકાય ?"


સનકાદીને કહ્યું,

"દેવર્ષિ તમો ચિંતા ન કરો, મનથી ખુશ થઇ જાવ,તેના ઉદ્ધારનો એક સરળ માર્ગ પહેલેથી જ નક્કી છે.નારદજી તમો ધન્ય છો.તમો વિરકતોનાં મુખ્યા છો.શ્રી કૃષ્ણના ભક્તોને રસ્તો બતાવનાર ભક્તિયોગના ભાસ્કર છો.તમો ભક્તિના માટે જે કામ કરી રહ્યા છો તેને  કોઈ નવાઈની વાત સમજવી ન જોઈએ.ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સામાયૅક સ્થાપના કરવી કાયમ વ્યાજબી છે. ઋષિયોએ સંસારમાં ઘણા માર્ગો બનાવ્યા છે પરંતુ તે બધા દુઃખદાયક છે અને ફક્ત પરિણામ  જોઈએ તો કદાચ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા છે.અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારા માર્ગ તો ગુપ્ત જ રહ્યા છે.તેનો ઉપદેશ કરવાવાળો પુરુષ ક્યાંક નસીબથી મળે છે.તમને આકાશવાણીએ જે સારા કામ માટે ઈશારો કર્યો છે તેને અમે બતાવીએ છીએ તે આપ પ્રસન્ન અને એકચિત્ત થઈને સાંભળો.

નારદજી! દ્રવ્યયજ્ઞ,તપોયજ્ઞ,યોગયજ્ઞ અને સ્વાધ્યાયરૂપ જ્ઞાનયજ્ઞ-તે બધા સ્વર્ગાદિની પ્રાપ્તિ કરાવવાનારા કાર્ય તરફ ઈશારો કરે છે.પંડિતોએ જ્ઞાનયજ્ઞને જ સત્કર્મ (મુક્તિ આપનારું કાર્ય)નું સૂચક માન્યું છે.આ શ્રીમદ્ભાગવત પારાયણ છે જેને શુકાદિ મહાનુભાઓએ ગાયું છે.તેના શબ્દો સાંભળવાથી જ ભક્તિ,જ્ઞાન અને  વૈરાગ્ય ને ઘણી શક્તિ મળશે.તેનાથી જ્ઞાન, વૈરાગ્યનું દુઃખ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે.સિંહની ગર્જના સાંભળીને જેમ સૂવરો ભાગી જાય છે તેમ શ્રીમદ્ભાગવતજીના ધ્વનિથી કળિયુગના બધા દોષોનો નાશ થઇ જશે.ત્યારે ભક્તિ પ્રેમરસથી પ્રવાહિત થઇ દરેક ઘરમાં વ્યક્તિના હૃદયમાં વાસ કરશે.

નારદજીએ કહ્યું,
"મેં વેદ વેદાંત ગાઈ અને ગીતાપાઠ કરીને તેમને બહુવાર જગાવ્યા છતાં પણ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેય ન જાગ્યા.આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી કેવી રીતે જાગશે? કેમકે તેની કથામાં દરેક શ્લોકો અને દરેક પદોમાં પણ વેદોનો જ સારાંશ છે. તમો શરણાગતવત્સલ છો અને તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી જતું.એટલે મારો આ સંદેહ વિના વિલંબે દૂર કરો."

સનકાદીને કહ્યું,
"શ્રીમદ્દભાગવત કથા વેદો અને ઉપનિષદોના સાર થી બની છે એટલે તેનાથી જુદી તે ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ ગણાય છે.જેમ ઝાડમાં રસ તેના મૂળથી ડાળો સુધી હોય છે પણ તેનો સ્વાદ લઇ શકાતો નથી.પણ જયારે તે રસ અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે દુનિયામાં બધાને ગમવા લાગે છે.દૂધમાં ઘી રહે છે પણ તે વખતે તેનો જુદો સ્વાદ આવતો નથી.પણ જયારે તે દૂધથી અલગ થઇ ઘીના રૂપમાં આવે છે ત્યારે દેવતાઓ માટે પણ સ્વાદિષ્ટ બની જાય છે.ખાંડ શેરડીના રસ રૂપમાં પણ મીઠી હોય છે પણ જયારે તે અલગ થઇ જાય છે ત્યારે તેની મીઠાસ ખુબ વધી જાય છે.
તેવી રીતેજ આ ભાગવતની કથા છે.આ ભાગવતપુરાણ વેદો જેવું છે.શ્રી વેદવ્યાસજીએ તેને ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે.જુના જમાનામાં વેદ-વેદાંતના રચયિતા અને ગીતાની રચના કરનાર ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાનના સમુદ્રમાં ડૂબી રહ્યા હતા ત્યારે તમેજ તેમને ચાર શ્લોકોમાં તેનો ઉપદેશ આપ્યો હતો.તેને સાંભળતાજ તેમની ચિંતા દૂર થઇ ગઇ હતી.
પછી તમોને તેમાં નવાઈ શેની લાગે છે કે તમો અમોને સવાલ કરી રહયા છો ? તમારે તેઓને શોક અને દુઃખનો વીનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ."

નારદજીએ કહ્યું,
" મહાનુભાવો તમારું દર્શન જીવોના પાપોને તરત જ દૂર કરી નાખે છે અને જે સંસારી દુઃખરૂપી દાવાનળથી તપી રહ્યા છે તેમના પર તત્કાલ શાંતિની વર્ષા કરે છે. તમો શેષ નાગના  હજારો મોઢાએ ગાયેલું ભાગવત કથામૃત જ  સાંભળ્યા કરો છો. હું પ્રેમલક્ષણી ભક્તિનો પ્રકાશ કરવાના હેતુથી  તમારું શરણું લઉં છું.જયારે મનુષ્યોના અનેક જન્મોની  પુણ્યપૂજાનો ઉદય થતા સત્સંગ મળે છે ત્યારે  તેના અજ્ઞાનથી ભરેલા મોહ અને મદરૂપી અંધકારનો નાશ કરી વિવેકનો ઉદય થાય છે.

અધ્યાય ત્રીજો    

ભક્તિના દુઃખનું નિવારણ 

નારદજી કહે છે,
"હવે હું ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યને  સ્થાપિત કરવા શ્રી શુકદેવએ કહેલા ભગવતશાસ્ત્રની કથા દ્વારા ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ પ્રયત્ન પૂર્વક કરીશ.આ યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ તેના માટે કોઈ સ્થાન બતાવો. તમોં વેદોના જાણકાર છો તો મને તે શુકશાસ્ત્રનો મહિમા સંભળાવો.એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ શું છે."

સનકાદિએ કહ્યું,
નારદજી તમો ઘણા વિનીત અને વિવેકી છો.સાંભળો, અમે તમને એ બધી વાતો કહીયે છીએ.હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે.ત્યાં ઘણા ઋષિયો રહે છે અને દેવતાઓ તેમજ સિદ્ધ પુરુષો પણ તેનો ઉપીયોગ કરે છે.જાતજાતના વૃક્ષો અને વેલાઓ ને કારણે તે ઘણો ઘીચ છે.અને ત્યાં ઘણી નરમ રેતી છવાયેલી છે.આ ઘાટ ઘણો સુંદર અને એકાંત પ્રદેશમાં છે.ત્યાં કાયમ સુંદર કમળોની સુગંધ આવ્યા કરે છે.તેની આજુબાજુ રહેતા સિંહ હાથી વગેરે વિરોધી જીવોમાં મનમાં પણ વેરભાવ નથી.ત્યાં તમો કોઈ પણ વિશેષ પ્રયત્ન વગર યજ્ઞનો આરંભ કરી દો.તે જગ્યાએ તમને કથામાં અપૂર્વ રસ જાગશે.ભક્તિ પણ તમારી આંખો સામે નિર્બળ અને જર્જરિત અવસ્થામાં પડેલા  જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે.કેમકે જ્યા શ્રીમદ ભાગવત કથા થાય છે ત્યાં તે ભક્તિ વગેરે જાતેજ પહોંચી જાય છે.ત્યાં કાનોમાં કથા સાંભળવાથી તે ત્રણેય જુવાન થઇ જશે."
સુતજી કહે છે,આવી રીતે કહીને નારદજીની સાથે સનકાદિ પણ શ્રીમદ્ભાગવતનું શ્રવણ કરવા ત્યાંથી તરત ગંગાકિનારે આવી ગયા.જ્યારે તેઓ કિનારાએ આવ્યા પૃથ્વીલોક,દેવલોક અને બ્રહ્મલોકમાં બધે કથા માટે દોડમદોડ થઇ ગઈ.જે જે કથાના રસિયા વિષ્ણુ ભકતો હતા તેઓ દોડી દોડીને કથાશ્રવણ કરવા બધાથી આગળ દોડી દોડીને આવવા લાગ્યા.મૃગુ,વશિષ્ઠ,ચ્યવન,ગૌતમ,મેઘાતિથી,દેવલ, દેવરાત,પરશુરામ,વિશ્વામિત્ર,શાકલ,માર્કંડેય,દત્તાત્રેય,પિપ્લાદ,યોગેશ્વર,વ્યાસ અને પરાશર,છાયાશુક,જાજલી અને જનહુ વગેરે મુખ્ય મુખ્ય મુનિવરો પોતપોતાના પુત્રો,શિષ્યો તેમજ  સ્ત્રીઓ સાથે ત્યાં ઘણા પ્રેમથી આવ્યા.તેના સિવાય વેદ,વેદાંત(ઉપનિષદ),મંત્ર,તંત્ર,સત્રહ પુરાણ અને છહોં શાસ્ત્ર પણ ત્યાં મૂર્તિમાન થઈને ઉપિસ્થત થયા.
ગંગા વગેરે નદીઓ,પુષ્કર વગેરે સરોવર,કુરુક્ષેત્ર જેવા બધાક્ષેત્રો બધી દિશાઓ,દંડક વગેરે વનો,હિમાલય વગેરે પર્વતો,તથા દેવ ,ગંધર્વ અને દાનવ વગેરે કથા સાંભળવા આવ્યા.જે લોકો પોતાના ગૌરવને લીધે ન આવ્યા તે મહર્ષિ મૃગુ ને સમજાવીને લાવવામાં આવ્યા.

ત્યારે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણ પારાયણ સનકાદિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા.ત્યારે સહુ શ્રોતાજનોએ તેમને પ્રણામ કર્યા.શ્રોતાઓમાં વૈષ્ણવ,વિરક્ત,સન્યાસી અને બ્રહ્મચારી લોકો આગળ બેઠા અને તે સહુથી આગળ નારદજી વિરાજમાન થયા.એકબાજુ ઋષિયો,એકબાજુ દેવતાઓ,એકબાજુ વેદો અને ઉપનિષદો વગેરે અને એકબાજુ તીર્થો બેઠા અને બીજી બાજુ સ્ત્રીઓ બેઠી.
તે સમયે બધી બાજુ જયજયકાર,નમસ્કાર વગેરે શબ્દો ગુંજવા લાગ્યા અને ચારેબાજુ ફૂલોની ખુબ વર્ષ થવા લાગી.કોઈ કોઈ દેવતાઓ તો વિમાનમાં બેસીને ત્યાં બેઠેલા બધા લોકો ઉપર કલ્પવૃક્ષના ફૂલોની વર્ષા કરવા લાગ્યા.
સુતજી કહે છે,આવી રીતે પૂજાની સમાપ્તિ થતા જયારે લોકો એકાપ્રચિત થઇ ગયા ત્યારે સનકાદિઋષિ મહાત્મા નારદજીને શ્રીમદ ભાગવતનું માહાત્મ્ય સ્પષ્ટ કરીને કહેવા લાગ્યા.

સનકાદિને  કહ્યું,
"હવે હું તમોને આ ભાગવતશાસ્ત્રનો મહિમા સંભળાવું છું.તેના સ્મરણમાત્રથી મુક્તિ મળી જાય છે.શ્રીમદ ભાગવતની  કથાનું કાયમ માટે સેવન અને શ્રવણ કરવું જોઈએ.તેને ફક્ત સાંભળવાથી શ્રી હરિ હૃદયમાં આવીને વિરાજમાન થાય છે.આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો અને બાર સ્કંધ છે.તથા શ્રી શુકદેવ અને રાજા પરીક્ષીતજીનો સંવાદ છે.તમો આ ભાગવતશાસ્ત્ર ધ્યાન રાખીને સાંભળો. આ જીવ ત્યાં સુધી સંસારના ફેરામા માં ભટકતો રહે છે જ્યા સુધી આ શુક્રશાસ્ત્રની કથા તેના કાનમાં નથી પડતી.જુદા જુદા ઘણા  શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું લાભ છે તેનાથી તો ફક્ત નકામો સંશય પેદા થાય છે.
મુક્તિ આપવાની ગર્જના તો એકમાત્ર ભાગવતશાસ્ત્ર કરી રહ્યું છે. જેના ઘરમાં કાયમ ભાગવત શાસ્ત્રનું વાંચન થાય છે તે તીર્થરૂપ થઇ જાય છે.અને જે લોકો તે ઘરમાં રહે છે તેમના બધા પાપો નાશ પામે છે.
હજારો અશ્વમેધ યજ્ઞો અને અને સેંકડો વાજપેય યજ્ઞ આ શુક્રશાસ્ત્રની આગળ સોળમો અંશ પણ નથી ગણાતો.તપોધનો! જ્યા સુધી લોકો સારી રીતે શ્રીમદ્ભાગવત કથા નહિ સાંભળે ત્યાં સુધી તેમના શરીરમાં પાપો  નિવાસ કરતા રહેશે.કલ્કી ની નજરથી આ શુક્રશાસ્ત્રકથાની સરખામણી ગંગા,ગયા,કાશી,પ્રયાગ કે પુષ્કર કોઈ તીર્થ પણ ન આવી શકે.

જો તમોને પરમ ગતિની ઈચ્છા હોય તો શ્રીમદ ભાગવતનો શ્લોકનો અડધો અથવા ચોથો ભાગનો નિત્ય નિયમપૂર્વક પાઠ કરો.ૐકાર,ગાયત્રી,પુરુષસૂક્ત ,ત્રણ વેદો,શ્રીમદ્ભાગવત,'ૐ નમો ભગવતે વાસુદેવાય'-આ દ્વાદશાક્ષર મંત્ર,બાર મૂર્તિવાળા સૂર્ય ભગવાન,પ્રયાગ,સંતસ્વરૂપ કાળ,બ્રાહ્મણ,અગ્નિહોત્ર,ગાય,બારસ તીથી,તુલસી,વસંત ઋતુ અને ભગવાન પુરુસોત્તમ-આ બધામાં બુદ્ધિશાળી લોકો કોઈ ફરક જોતા નથી.જે પુરુષ કાયમ માટે અર્થ સાથે શ્રીમદ ભાગવત શાસ્ત્રનો પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપનો નાશ થાય છે-તેમાં બિલકુલ સંદેહ નથી.જે પુરુષ કાયમ ભાગવત શાસ્ત્રના શ્લોકનો અડધો અથવા પા ભાગ નિત્ય વાંચે છે તેને રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞનો લાભ મળે છે.કાયમ ભાગવતનો પાઠ કરવો,ભગવાનનું ચિંતન કરવું,તુલસીને પાણી પાવું,અને ગાયોની સેવા કરવી-એ ચારો એક સરખા છે.જે પુરુષ તેના અંતિમ સમયમાં શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળી લે છે તેના ઉપર પ્રસન્ન થઇ ભગવાન તેને વૈકુંઠમાં સ્થાન આપે છે.જો પુરુષ તેને સોનાના સિંહાસન ઉપર પધરાવી વિષ્ણુ ભક્તને દાન કરે છે તેને જરૂર ભગવાનનું સાયુજ્ય મળે છે.

જે દુષ્ટ પુરુષે તેની સારી જિંદગીમાં એકાગ્ર થઈને શ્રીમદ્ભાગવતને  થોડું પણ સાંભર્યું નથી તેણે તો તેનો આખો જન્મ ચાંડાલ અને ગધેડાની માફક વેડફી નાખ્યો છે.તેતો તેની માતાને જન્મની પીડા આપવા માટે જ જન્મ્યો છે.જેને આ શુક્રશાસ્ત્રને થોડું પણ સાંભર્યું નથી તે પાપાત્મા તો જીવી રહેલા મડદા જેવો છે.પૃથ્વીના ભારરૂપ તે જાનવર જેવા પુરુષને ધિક્કાર છે.-એવું સ્વર્ગલોકમાં  દેવતાઓના મુખ્યા
ઇન્દ્ર કહયા કરે છે.
સંસારમાં શ્રીમદ્ભાગવતની કથાનું મળવું ખુબ જ દુર્લભ છે જ્યારે કરોડો જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે તેની પ્રાપ્તિ થતી હોય છે.નારદજી! તમો ખૂબ જ બુદ્ધિમાન અને યોગનિધિ છો.તમો પ્રત્નપૂર્વક કથાનું શ્રવણ  કરો.તેને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી તેને તો કાયમ સાંભળવું સારું છે.તેને સત્યબોલતાં બ્રહ્મચર્યનું પાલન કરીને કાયમ સાંભળવું સારું માનવામાં આવ્યું છે.પણ કળિયુગમાં તેવું થવું મુશ્કેલ છે એટલે શુકદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ.કળિયુગમાં ઘણા દિવસો માટે મનની વૃત્તિને વશમાં રાખવું,નિયમોનું પાલન કરવું અને કોઈ પુણ્યકામ માટે પવિત્ર રહેવું મુશ્કેલ છે. એટલે સાપ્તાહિક સાંભળવાની વિધિ છે.શ્રદ્ધા સાથે ક્યારે પણ સાંભળવાથી અથવા માગશર માસમાં સાંભળવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ સાપ્તાહિક સાંભળવાથી મળે તેવું શુકદેવજીએ નિર્ધારિત કર્યું છે.મનનો અસંયમ રોગોનો ફેલાવો અને ઓછી ઉંમરના કારણે અને કળિયુગમાં અનેક દોષોની શક્યતાને માટે જ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે.જે ફળ તપ,યોગ અને સમાધિથી નથી મળતું તે સંપૂર્ણ રૂપે સાપ્તાહિક શ્રવણમાં સહેલાઈથી મળે છે.સપ્તાહ શ્રવણ યજ્ઞ ,વ્રત અને તપથીસર્વશ્રેષ્ઠ છે-એટલે સુધી કે ધ્યાન અને જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે.
અરે એની મહત્વતાનું ક્યાં સુધી વર્ણન કરવું તેતો સહુ થી  સર્વશ્રેષ્ઠ છે.

શૌનકજીએ પૂછ્યું,
"સુતજી આ તો તમે બહુ નવાઈની વાત કરી.ભાગવત પુરાણ જરૂર યોગવેત્તા બ્રહ્માજીના પણ  આદિકારણ શ્રી નારાયણનું નિરૂપણ કરે છે.પણ આ સ્વર્ગની પ્રાપ્તિમાં જ્ઞાનાદિ બધા ધંધાને  છોડીને તેમનાથી પણ વધારે આ યુગમાં કેવી રીતે થઇ ગયા?"
સુતજીએ કહ્યું,
"શૌનકજી જ્યારે શ્રી કૃષ્ણ આ પૃથ્વી લોક છોડીને પોતાના નિત્ય ધામમાં જતા હતા ત્યારે તેમના મુખારવિંદમાંથી એકાદશ સ્કંધનો જ્ઞાનોપદેશ સાંભળીને શ્રી ઉદ્ધવજીએ પૂછ્યું,
ઉદ્ધવજી બોલ્યા,
ગોવિંદ તમો તો ભક્તોનું કાર્ય કરીને પરમધામમાં જવા ઈચ્છો છો પરંતુ મારા મનમાં એક મોટી ચિંતા છે.એ સાંભળીને મને શાંત કરો.હવે ભયંકર કળિયુગ આવ્યો જ સમજો એટલે સંસારમાં ફરીથી દુષ્ટાત્માઓ પ્રકટી જશે.તેના સંદર્ભમાં આવતા અનેક સત્પુરુષો પણ તેના જેવા સ્વભાવવાળા થઇ જશે.ત્યારે તેના ભારથી દબાઈને આ ગૌરૂપીની પૃથ્વી કોના શરણમાં જશે? કમલનયન,મને તો તમારા સિવાય તેની રક્ષા કરવાળું  બીજું કોઈ દેખાતું નથી.એટલે ભક્તવત્સલ ! આપ સાધુઓ પર દયા કરીને અહીંથી ના જાઓ.ભગવન! તમોએ નિરાકાર અને ચીનમાત્ર થઈને પણ ભક્તોના માટે જ આ સગુણ રૂપ ધારણ કર્યું છે.તો ભલા તમારો વિયોગ થવાથી ભક્તજનો પૃથ્વી પર શી રીતે રહી શકશે? નિર્ગુણ ઉપાસનામાં તો મોટું દુઃખ છે એટલે કૈક બીજો વિચાર કરો."

પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આવા વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોનાં અવલંબન માટે મારે શું વ્યવસ્થા કરવી જોઈએ,શૌનકજી! ત્યારે તેમણે પોતાની બધી શક્તિ ભાગવતમાં મૂકી દીધી તે અદ્રશ્ય થઈને ભાગવત સાગરમાં પ્રવેશ કરી ગયા.એટલે એ ભગવાનની સાક્ષાત શબ્દરૂપી મૂર્તિ છે.તેના સેવન,,શ્રવણ  પાઠ અથવા દર્શન કરવાથી મનુષ્યોના બધા પાપોનો નાશ થઇ જાય છે.તેનાથી તેનું સપ્તાહ સ્મરણ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.અને કળિયુગમાં બીજુ બધું છોડીને તે જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યો છે.કળીકાળમાં આજ એક એવો  ધર્મ છે જે દુઃખ,દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને સાફ કરી નાખે છે.તથા કામ ક્રોધ જેવા શત્રુઓ પર વિજય અપાવે છે.એટલેકે ભગવાનની આ માયાથી પીછો છોડાવવો દેવતાઓ માટે પણ કઠિન છે. તો તેને મનુષ્યો તો કેવી રીતે છોડી શકે છે. એટલે તેનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે.
સુતજી કહે છે-શૌનકજી! જે સમયે સનકાદિ મુનીશ્વર આવી રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું ;એ હું તમોને બતાવું છું સાંભળો,
 ત્યાં તરુણાવસ્થા જેને પ્રાપ્ત થઇ છે તે બે પુત્રોને સાથે લઈને પવિત્ર પ્રેમરૂપ ભક્તિરાણી  વારંવાર
'શ્રીકૃષ્ણ! ગોવિંદ! હરે! મુરારે!હે નાથ! નારાયણ! વાસુદેવ!' વગેરે ભગવતસ્તોત્ર બોલતી એકદમ પ્રગટ થઇ ગઈ.બધા સદસ્યોએ જોયું કે પરમ સુંદરી ભક્તિ ભગવતશબ્દોના અલંકાર પહેરીને ત્યાં આવી.મુનિયોની સભામાં બધા તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી.કેવી રીતે પ્રવેશી.ત્યારે સનકાદિને કહ્યું -'આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી નીકળી છે.'
તેમની આ વાણી સાંભળીને ભક્તિએ પોતાના પુત્રો સહીત વિનમ્ર થઈને સનતકુમારજીને કહ્યું,

ભક્તિ બોલી,

હું કળિયુગમાં નાશીપાશ થઇ ગઈ હતી તમોએ કથામૃતથી બચાવી મને ફરી પૃષ્ટ કરી દીધી હવે તમો કહો હું ક્યાં રહું? એ સાંભળીને સનકાદિને કહ્યું,તું ભક્તોને ભગવાનનું સ્વરૂપ અપાવનારી,ખુબજ પ્રેમનું સંપાદન કરનારી અને દુનિયાના રોગોને જડથી ઉખાડનારી છો.એટલે તું ધૈર્ય ધારણ કરીને કાયમ માટે વિષ્ણુભક્તોના હૃદયમાં નિવાસ કરો.આ કળિયુગના દોષો ભલે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ પાડે પણ તારા પર તેની નજર સુદ્ધા નહિ પડી શકે.એવી રીતે તેમની આજ્ઞા  મળતા  તરત જ ભક્તિ ભક્તોના હૃદયમાં વિરાજમાન થઇ.

જેના હૃદયમાં એકમાત્ર શ્રી હરિની ભક્તિ વસતી હોય તે ત્રિલોકમાં નિર્ધન હોવા છતાં ધન્ય છે.કેમકે એ ભક્તિના દોરથી બંધાઈને તો સાક્ષાત પરમાત્મા પણ પોતાનું પરમધામ છોડીને તેના હૃદયમાં આવી વસે છે.ભૂલોકમાં આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ છે તેની મહિમાનું વર્ણન અમો  ક્યાં સુધી કરીયે તેનો આશ્રય લઇને તેને સંભળાવવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સમતાની પ્રાપ્તિ થઇ જાય છે હવે તેને છોડીને બીજા ધર્મોનું શું પ્રયોજન.

અધ્યાય ચોથો

ગોકર્ણોપાખ્યાન પ્રારંભ     

સુતજી કહે છે -મુનિવર! આ સમયે ભક્તોના મનમાં અલૌકિક ભક્તિનો ભાવ થયેલો દેખાતા ભક્તવત્સલ ભગવાન પોતાનું ધામ છોડીને અહીં આવ્યા.તેમના ગાળામાં વનમાળા શોભાયમાન હતી.તેમનું અંગ જલધારાના જેવું શ્યામવરણું હતું,તેના ઉપર મનોહર પીળું પીતામ્બર શોભતું હતું.કેડ પર કરધનીની લડીયોની સજાવટ હતી.માથા પર મુકુટ અને કાનોમાં કુંડળ ઝળકતાં હતા.વિશાલ કપાળના તેજ અને ચહેરાના મન મોહક ભાવ સાથે ઉભેલા બધાના ચિત્તને ચોરી રહ્યા હતા.વક્ષ:સ્થળ ઉપર કૌસ્તુભ મણિ ચમકી રહ્યો હતો.ભગવાનનું આખા અંગ માટે બધે ચંદનની ચર્ચા હતી.તે રૂપની શોભા માટે શું કહેવું! તેમણે તો જાણે કરોડો કામદેવોની રુપમાધુરી છીનવી લીધી છે.આ પરમાનંદ ચીનમૂર્તિ મધુરાતીમધુર મુરલીધર આવા અનુપમ દેખાવથી તેમના ભક્તોના મનમાં આવિર્ભૂત થયા.ભગવાનના કાયમ લોકનિવાસી લીલાપારીકર ઉદ્ધવાદી ત્યાં ગુપ્ત રૂપમાં તે કથાને સાંભળવા આવ્યા હતા.ભગવાનના પ્રગટ થવાથી ત્યાં ચારેબાજુ 'જય હો!જય હો!!'નો અવાજ થવા લાગ્યો.તે વખતે ભક્તિરસનો અદભુત પ્રવાહ વહેવા લાગ્યો.વારંવાર અબીલ ગુલાલ અને ફૂલોની વર્ષા અને શંખધ્વનિ થવા લાગ્યા.તે સભામાં જે લોકો બેઠા હતા તેમેને પોતાના શરીર  તથા આત્માનું ભાન ન રહ્યું.તેમની આટલી તન્મયતા જોઈને નારદજી એ કહેવા લાગ્યા-.

મુનીશ્વરગણ આજે સપ્તાહશ્રવણની મેં ખુબજ મોટો અલૌકિક મહિમા જોયો.અહીં તો મોટા મુરખો,દુષ્ટો અને પશુ પક્ષીઓ પણ છે તે બધા ખુબ જ નિષ્પાપ થઇ ગયા છે.એમાં કોઈ સંદેશ નથી કે આ કળીકાળમાં મનની શુદ્ધિ માટે આ ભગવતકથા જેવું પાપનો  નાશ કરનારું બીજું કોઈ પવિત્ર સાધન નથી.મુનિવર! તમો ખુબ દયાળુ છો તમોએ સંસારના કલ્યાણનો વિચાર કરીને આ ખુબ જ નિરાળો માર્ગ શોધ્યો છે.દયા કરીને એટલું તો બતાવો આ કથારૂપ સપ્તાહ દ્વારા દુનિયાના કોણ કોણ લોકો પવિત્ર થઇ જાય છે.

સનકાદિને કહ્યું -જે લોકો કાયમ જાત જાતના પાપ કર્યા કરે છે,સતત દુરાચારમાં રચ્યા પચ્યા રહે છે અને ખોટા માર્ગોએ ચાલે છે તથા જેઓ સદા ક્રોધાંગ્નિથી બળીને કુટિલ અને કામપારાયણ છે તે બધા આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થઇ જાય છે.જે સત્યથી દૂર ,માતાપિતાની નિંદા કરવાવાળા,તૃષ્ણાથી વ્યાકુળ,આશ્રમ ધર્મથી રહિત,દંભી, બીજાઓની ઉન્નતિ જોઈને દાજનારા,અને બીજાઓને દુઃખો આપનારા છે.તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થઇ જાય છે.જેઓ દારૂ પીનારા,સોનાની ચોરી,બ્રહ્મહત્યા,ગુરુ સ્ત્રી સાથે દુરાચાર અને વિશ્વાસઘાત - આ પાંચ મહાપાપ કરવાવાળા,છળકપટ કરનાર,ક્રૂર,પિશાચો જેવા નિર્દયી,બ્રાહ્મણોના ધનથી ખાનાર અને વ્યભિચારી છે.તે પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થઇ જાય છે. જે દુષ્ટો કાયમ જાણી જોઈને મન વાણી કે શરીરથી પાપો કરતા રહે છે
બીજાના પૈસા પર નિર્ભર રહે છે,તથા અશુદ્ધ મન અને દુષ્ટ હૃદયવાળા છે તે પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થઇ જાય છે.

નારદજી હવે અમો તમને આ વિષયમાં જૂનો ઇતિહાસ કહીયે છીએ.તેના સાંભળવાથી  જ પાપોનો નાશ થઇ જાય છે.પ્રાચીન સમયમાં તુંગભદ્રા નદીના કિનારે એક અનુપમ શહેર વસ્યું હતું. ત્યાં જુદી જુદી કોમના લોકો પોતપોતાના ધર્મોનું પાલન કરતા સત્ય અને સત્કર્મોમાં વ્યસ્ત રહેતા હતા.તે નગરમાં બધા વેદોને જાણનાર શ્રોત શ્રાત કર્મોમાં નિપુર્ણ એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે સાક્ષાત બીજા સૂર્ય જેવો તેજસ્વી હતો.તે પૈસાદાર હોવા છતાં ભિક્ષા પર જીવતો હતો.તેની  પ્યારી પત્ની ધુંધુલી કુલીન અને સુંદર હોવા છતાં પોતાની વાત પર અડી જતી હતી.તેને લોકોની વાત કરવામાં સુખ મળતું હતું તેનો સ્વભાવ ક્રૂર હતો.કાયમ કઈ ને કઈ બકવાસ કર્યા કરતી હતી.ઘરકામમાં નિપુર્ણ હતી.કૃપણ હતી પણ ઝગડાળુ પણ હતી.આ પ્રમાણે બ્રાહ્મણ દંપતી પોતાના ઘરમાં રહેતું  અને વિહાર કરતુ .તેમની પાસે આર્થિક અને ભોગ વિલાસ માટે સંપત્તિ ખૂબ જ હતી.ઘર અને દરવાજા સુંદર હતા પણ તેમને તેનાથી સુખ ન હતું.જયારે અવસ્થા ખુબ વધી ગઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જુદા જુદા પુણ્યકર્મો શરુ કરી દીધા.અને તેઓ દીન દુઃખીઓને ગાય,જમીન,સોનુ અને વસ્ત્રોનું દાન કરવા લાગ્યા.આવી રીતે ધર્મ માર્ગમાં તેમણે તેમનું અડધું ધન સમાપ્ત કરી નાખ્યું.તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોઢું જોવા ન મળ્યું.એટલે તે બ્રાહ્મણ ખુબ ચિંતામાં રહેવા લાગ્યો.

એક દિવસ તે બ્રાહ્મણ દેવતા ખૂબ જ દુઃખી થઈને ઘરમાંથી નીકળી વનમાં જવા નીકળી પડ્યા.બપોરના સમયે તેમને તરસ લાગી એટલે તે એક તળાવ ઉપર આવ્યો.સંતાન ન હોવાના દુઃખને કારણે તેનું શરીર ખુબ સુકાઈ ગયું હતું.એટલે પાણી પીધા પછી તે ત્યાં બેસી પડ્યો.બે એક ઘડી પછી ત્યાં એક સન્યાસી મહાત્મા આવ્યા.જયારે બ્રાહ્મણ દેવતાએ જોયું કે તેઓએ પાણી પીય લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા પછી સામે ઊબો રહી લાંબી લાંબી શ્વાસો લેવા લાગયો.

સન્યાસીએ પૂછ્યું- કહો બ્રાહ્મણ દેવતા! શા માટે રડો છો? એવી શું ભારે ચિંતા છે?તમે જલ્દી મને તમારા દુઃખનું કારણ કહો.

બ્રાહ્મણે કહ્યું -મહારાજ હું પૂર્વજન્મના પાપોથી જોડાયેલા દુઃખનું શું વર્ણન કરું? હવે મારા પિતૃઓ મારા દ્વારા અપાયેલી જલાંજલિનાં પાણીને પોતાના ચીંતાજન્ય શ્વાસોથી કૈક ગરમ કરીને પિએ છે.દેવો અને બ્રાહ્મણ મારુ પ્રસન્ન મનથી આપેલું સ્વીકાર નથી કરતા.સંતાન માટે હું એટલો અધીરો થઇ ગયો છુ કે બધું મને સૂનું સૂનું દેખાઈ રહ્યું છે.હું પ્રાણનો ત્યાગ કરવા અહીં આવ્યો છું.સંતાન વગરના જીવનને ધિક્કાર છે.સંતાન વગરના ઘરને ધિક્કાર છે.સંતાન વગરના ધનને ધિક્કાર છે અને સંતાન વગરના કુળને ધિક્કાર છે.હું જે ગાયને પાળું છું તે તરત વાંઝ થઇ જાય છે.જે ઝાડ ઉગાવું છું તેના પર પણ ફૂલો અને ફળો  નથી લાગતાં.મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ બહુ જલ્દી સડી જાય છે.જયારે હું આટલો અભાગી અને પુત્ર વગરનો છું તો પછી એવા જીવનને રાખીને મારે શું કરવું છે.એમ કહીને  તે બ્રાહ્મણ સન્યાસી સામે દુઃખથી વ્યાકુળ  થઇ જોર જોરથી રડવા લાગ્યો.ત્યારે તે યતીવરના હૃદયમાં ખુબ દયા ઉત્તપન્ન થઇ.તે યોગનિષ્ઠ હતા.તેમણે તેના કપાળની રેખાઓ જોઈને બધું જાણી લીધું.પછી તેને વિસ્તારથી કહેવા લાગ્યા.

સન્યાસીએ કહ્યું- બ્રાહ્મણ દેવતા આ સંતાન પ્રાપ્તિની ઝંખનાઓ છોડી દો.કર્મની ગતિ ન્યારી છે વિવેકના સહારે સંસારની વાસના છોડી દો.વિપ્રવર! સાંભળો મેં  અત્યારે તમારું પ્રારબ્ધ  જોઈને નિર્ણય કર્યો છે કે  તને સાત જન્મો સુધી કોઈ પણ પ્રકારે પુત્ર થશે નહિ.પૂર્વકાળમાં રાજા સગર અથવા અંગને સંતાનના કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું.બ્રાહ્મણ એટલે તું કુટુંબની આશા છોડી દે. સન્યાસથી જ સર્વે પ્રકારનું સુખ છે.

બ્રાહ્મણે કહ્યું-  મહાત્માજી! વિવેકથી મારુ શું થશે. મને બળપૂર્વક પુત્ર આપો,નહીતો હું તમારી સામેજ શોકથી મૂર્છિત થઈને મારો પ્રાણત્યાગ કરું છું.જેમાં પુત્ર સ્ત્રી વગેરેનું સુખ નથી એવો સન્યાસ તો કાયમ માટે નીરસ જ છે.લોકોમાં સારું તો પુત્ર પૌત્રાદિથી ભરેલો ગૃહસ્થાશ્રમ જ છે.

બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું-'વિધાતાના લેખને મિટાવવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુંને ખુબ જ કષ્ટ ઉઠાવવું પડ્યું હતું.એટલે દેવો જેનું કામ બગાડે છે તેવા પુરુષ જેવા  તને પણ પુત્રથી સુખ નહિ મળે શકે.તે તો ખુબ હઠ પકડી રાખી છે અને અર્થના રૂપમાં તું મારી સામે છે હું તને આવી દશામાં શું કહું?

જયારે મહાત્માએ જોયું કે તે તેનો આગ્રહ કોઈ પણ પ્રકારે નથી છોડતો ત્યારે તેમણે તેને એક ફળ આપ્યું અને કહ્યું -આને તારી પત્નીને તું ખવડાવી દેજે એટલે તેને એક પુત્ર થશે.તારી સ્ત્રીએ એક વર્ષ સુધી સત્ય,શૌચ,દયા,દાન અને એક સમય એક જ અન્ન ખાવાનો નિયમ રાખવો જોઈએ.જો તે એવું કરશે તો બાળક શુદ્ધ સ્વભાવવાળો થશે.એવું કહીને તે યોગીરાજ ત્યાંથી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ તેના ઘરે પાછો આવ્યો.ત્યાં આવીને તેણે તે ફળ તેની સ્ત્રી ના હાથમાં આપ્યું અને તે જાતે ક્યાંક જતો રહ્યો.તેની સ્ત્રી કુટિલ સ્વભાવની તો હતી જ તે રડતા રડતા તેની એક બહેનપણીને કહેવા લાગી -

"બેન મને તો ખુબ જ ચિંતા થાય છે હું આ ફળ નહિ ખાઉં.ફળ ખાવાથી ગર્ભ રહેશે અને ગર્ભ રહેવાથી પેટ મોટું થઇ જશે.પછી કઈ ખવાશે કે પીવાશે નહિ ને મારી શક્તિ ઓછી થઇ જશે.તો બતાવ ઘરનું કામકાજ કેવી રીતે થશે? અને નસીબજોગે ગામમાં લુટારાઓનું આક્રમણ થઇ ગયું તો ગર્ભિણી સ્ત્રી કેવી રીતે ભાગશે.જો શુકદેવજીની માફક ગર્ભ પેટમાં જ રહી ગયો તો તેને  બહાર કેવી રીતે કઢાશે અને જો તે પ્રસવના સમયે ક્યાંક વાંકો થઇ ગયો તો પ્રાણોથી હાથ ધોવા પડશે.આમેય પ્રસવના સમયે ખુબ જ દુઃખ થતું હોય છે હું સુકોમળ, ભલા કેમની આ બધું સહન કરી શકીશ? હું જયારે દુર્બળ થઇ જઈશ ત્યારે નણંદ આવીને માલ સામાન બધો લઇ જશે.અને મને તો સત્ય શૌચાદિના નિયમનું પાલન કરવાનું જ અઘરું લાગે છે.જે સ્ત્રી બાળકને જન્મ આપે છે.તેને તે બાળકના લાલન પાલનમાં પણ ખુબ જ કષ્ટ પડે છે.મારા વિચારથી તો વાંઝણી અથવા વિધવા સ્ત્રીઓ જ સુખી છે."

મનમાં આવા જાતજાતના કુવિચારો ને લીધે તેણે તે ફળ ન ખાધું અને જયારે તેના પતિએ પૂછ્યું-'ફળ ખાધું?' તો તેણે કહી દીધું-'હા ખાધું'.એક દિવસ તેની બહેન તેના ઘેર એકાએક આવી ત્યારે તેણે તેની બહેનને બધો વૃતાન્ત બતાવતા કહ્યું- 'મારા મનમાં આની ખુબ જ ચિંતા છે.હું દિનપ્રતિદિન દુબળી થઇ રહી છું.બહેન! હું શું કરું?'બહેને કહ્યું-'મારા પેટમાં બાળક છે પ્રસવ થયા પછી તે બાળક હું તનેઆપી દઈશ ત્યાં સુધી ગર્ભવતીની માફક ગુપ્ત રૂપમાં સુખથી રહે.તું મારા પતિને થોડા પૈસા આપી દઈશ તો તે તેનું બાળક તને આપી દેશે.(હું એવી યુક્તિ કરીશ)કે જેમાં બધા લોકો એવું કહે કે 'તેનું બાળક છ મહિનાનું થઈને મરી ગયું'અને હું નિત્ય પ્રતિ તારા ઘરે આવીને તેનું પાલન પોષણ કરતી રહીશ.તું અત્યારે તેની જાણ ખાતર આ ફળ ગાયને ખવડાવી દે.'બ્રાહ્મણીએ સ્ત્રીસ્વભાવ પ્રમાણે તેની બહેને જે જે કહ્યું હતું તેવું જ બધું કર્યું.

એના પછી સમય પ્રમાણે જયારે તે સ્ત્રીને પુત્ર થયો તો ચૂપ ચાપ તેના પતિએ લઈને ધુધળીને આપી દીધો.અને ધુધળીએ તેના પતિ આત્મદેવને સૂચના આપી દીધી કે બાળક સુખીથી થઇ ગયું.આવી રીતે આત્મદેવને ત્યાં પુત્ર થયો તે સાંભળીને બધા લોકોને ખુબ આનંદ થયો.બ્રાહ્મણે તેનો જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન કર્યું.અને ઘર આંગણમાં નાચ ગાન અને ઘણા માંગલિક કાર્યો થવા લાગ્યા.
ધૂંધળીએ તેના પતિને કહ્યું ,'મારા સ્તનોમાં તો દૂધ જ નથી પછી ગાય  વગેરે પ્રાણીના દૂધથી  હું આ બાળકનું કેવી રીતે પાલન કરીશ? મારી બહેનને હમણાં બાળક થયું હતું તે મરી ગયું છે.તેને બોલાવીને આપણે ત્યાં રાખીયે તો તે આ બાળકનું પાલન-પોષણ કરી લેશે.'ત્યારે પુત્રની રક્ષા માટે આત્મદેવે તે પ્રમાણે કર્યું.તથા માતા ધુંધલીએ તે બાળકનું નામ ધધુકારી રાખ્યું.

તેના  ત્રણ મહિના પછી ગાયને પણ એક મનુષ્યાકાર બાળક  થયું.તે ખુબ જ સુંદર,દિવ્ય,નિર્મલ અને સોના જેવી તેજ વાળું હતું.તેને જોઈને બ્રાહ્મણદેવતાને ખુબ આનંદ થયો અને તેણે તેના સંસ્કાર જાતે જ કર્યા. આ સમાચારથી બીજા બધા લોકોને પણ નવાઈ લાગી અને તેઓ તેને જોવા આવ્યા.અને અંદરોદર કહેવા લાગ્યા ,'જુઓ ભાઈયો! હવે આત્મદેવના ભાગ્યનો કેવો  ઉદય થયો છે! કેવી નવાઈની વાત છે તેની ગાયને પણ એક તેજસ્વી બાળક ઉત્તપન્ન થયો છે.નસીબજોગે આ રહસ્યની કોઈને ખબર ન પડી.આત્મદેવે તે બાળકના ગાયના જેવા કાન  હોવાથી તેનું નામ ગોકર્ણ રાખ્યું.

કેટલોક સમય પસાર થયા પછી તે બંને બાળકો યુવાન થઇ ગયા તેમાં ગોકર્ણ તો ખુબ પંડિત અને જ્ઞાની થયો પણ ધન્ધુકારી ખુબ જ દુષ્ટ થયો.બ્રાહ્મણો જેવા સ્નાન શૌચાદિ આચારો તેનામા લગીર માત્ર નહોતા.અને કોઈ ખાવાપીવાના રીત નહોતી તેનામાં ખુબ ક્રોધ વધી ગયો હતો તે ખરાબ ખરાબ વસ્તુઓ વસાવ્યા કરતો હતો.મડદાના હાથે સ્પર્શિત અન્ન પણ તે ખાઈ લેતો હતો.બીજાને ત્યાં ચોરી કરવી અને બીજા લોકોની ઈર્ષ્યા કરવી તેનો સ્વભાવ થઇ ગયો હતો.છુપી રીતે તે બીજાના ઘરો સળગાવી દેતો હતો.બીજાના બાળકોને ખોળામાં લેતો અને તરત તેને કુવામાં ફેંકી દેતો.હિંસાની તેને ટેવ પડી ગઈ હતી.કાયમ તે શસ્ત્રો પોતાની પાસે રાખતો અને આધળાઓ અને ગરીબ ગુરબાઓને  નકામાં પરેશાન કરતો.ચાંડાળોને તે ખુબ પ્રેમ કરતો.હાથમાં ફંડો લઈને કૂતરાની ટોળી સાથે શિકારની શોધમાં તાકતો રહેતો.વેશ્યાઓની જાળમાં ફસાઈને તેણે તેના પિતાની બધી સંપત્તિ  લૂંટાવી દીધી.એક દિવસ માતા પિતાને મારીને ઘરના બધા વાસણકુશણ લઇ ગયો.
જયારે બધી સંપત્તિ પૂરી થઇ ગઈ ત્યારે તેનો દુઃખી પિતા જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો,
'આના કરતા તો તેની માને વાઝ રહેવું સારું હતું,કુપુત્ર ખુબ જ દુઃખ દાયક હોય છે.હવે હું ક્યાં રહું?ક્યાં જાઉં?મારા આ સંકટને કોણ કાપશે?હાય ! મારી ઉપર તો ખુબ જ મોટું સંકટ આવી ગયું છે.આ દુઃખને કારણે એક દિવસ મારે જરૂર પ્રાણ છોડવા પડશે.તે સમયે બહુ જ જ્ઞાની એવા ગોકર્ણ ત્યાં આવ્યા અને તેણે  પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ખુબ સમજાવ્યા.તેણે કહ્યું,
'પિતાજી આ સંસાર અસાર છે.તે અત્યંત દુઃખદાયી અને મોહમાં નાખનારો છે.પુત્ર કોનો? ધન કોનું?સ્નેહી પુરુષ રાત દિવસ દીવાની માફક સળગતો રહે છે.સુખ ન તો ઇન્દ્રને છે અને ન તો ચક્રવર્તી રાજાને,
સુખ છે તો ફક્ત એકલજીવી  વિરક્ત મુનિને.'આ મારો પુત્ર છે' એવા અજ્ઞાનને છોડી દો.મોહથી નર્ક મળે છે.આ શરીર નો નાશ થશે માટે બધું છોડીને વનમાં જતા રહો.'
ગોકર્ણના શબ્દો સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થઇ ગયો.અને તેને કહેવા લાગ્યો,
"બેટા! વનમાં જઈને મારે શું કરવું જોઈએ તે તું મને વિસ્તારથી સમજાવ.હું  મોંટો મૂર્ખ છું.અત્યાર સુધી સ્નેહપાશમાં બંધાઈને અપડંકીની માફક ઘરના અંધારા કુવામાં પડ્યો રહ્યો છું.તું ખુબ જ કૃપાળુ છું,મારો ઉદ્ધાર કર."

ગોકર્ણે કહ્યું,
"પિતાજી! આ શરીર હાડકા , માસ અને લોહીનો પિંડ છે. તેને તમે 'હું' માનવાનું ભૂલી જાઓ.અને સ્ત્રી -પુત્રો વગેરેને પોતાના ક્યારેય ન માનો.આ દુનિયાને રાત-દિવસ ક્ષણભંગુર સમજો.તેની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેમાં રસ ન લો.બસ ફક્ત વૈરાગી રસના  રસિક બનીને ભગવાનની ભક્તિમાં લાગ્યા રહો.ભગવાનનું ભજન જ બધાથી મોટો ધર્મ છે કાયમ તેનો આશ્રય લેતા રહો.બીજા બધા પ્રકારના લૌકિક ધર્મોથી દૂર રહો.કાયમ સાધુ જનોની સેવા કરો.ભોગોની લાલસાને પાસે પણ ન આવવા દો.અને જેમ બને તેમ જલ્દી બીજાના ગુણ-દોષોના વિચારો કરવાના છોડીને એકમાત્ર ભગવત્સેવા અને ભગવાનની કથાઓનું રસપાન કરો.
 આવી રીતે પુત્રની વાણીથી પ્રભાવિત થઇને  આત્મદેવે ઘર છોડી દીધું અને વનની યાત્રા કરી.જો કે તેની ઉંમર તે વખતે સાંઠ વર્ષની થઇ ગઈ હતી પણ છતાં બુદ્ધિમાં તેને વિશ્વાસ હતો.ત્યાં રાત દિવસ ભગવાનની સેવા-પુંજા  કરવાથી અને નિયમથી ભાગવત સ્કંદનના પાઠ કરવાથી તેને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રને મેળવી લીધા.

અધ્યાય પાંચમો

ધન્ધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ અને તેનાથી ઉદ્ધાર 


સુતજી કહે છે-શૌનકજી ! પિતાજીના વનમાં જતા રહ્યા પર એક દિવસ ધન્ધુકારીએ તેની માને ખુબ મારીને કહ્યું,'બતાવ ,ધન ક્યાં રાખ્યું છે? નહીતો સળગતા લાકડાંથી તારી ખબર લઈશ.'તેની આ ધમકીથી ડરીને અને વારંવારના ત્રાસથી દુઃખી થઈને તે કુવામાં પડી મૃત્યુ પામી.યોગનિષ્ઠ ગોકર્ણજી   તીર્થયાત્રાએ નીકળી ગયા.તેમને આવી ઘટનાઓથી કોઈ સુખ કે દુઃખ થતું ન હતું કેમકે નતો તેમનો કોઈ મિત્ર હતો ન શત્રુ.
ધન્ધુકારી પાંચ વેશ્યાઓ સાથે ઘરમાં રહેવા લાગ્યા.તેઓ માટે ખાધા ખોરાકીની ચિંતામાં તેની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ અને તે નાના નાના ખુબ જ ખરાબ ગુનાઓ કરવા લાગ્યો.એક દિવસ તે કુલટાઓએ તેની પાસે ખુબ જ દાગીના માંગ્યા. તેતો કામમાં આંધળો થઇ ગયો હતો તેણે મૃત્યુની ક્યારેય યાદ આવતી ન હતી,.બસ તે  દાગીના મેળવવા તે ઘરથી નીકળી પડ્યો.તે જ્યાં ત્યાંથી ચોરી કરીને ઘણા પૈસા લઈને ઘેર આવ્યો અને સુંદર વસ્ત્રો તથા આભૂષણ લાવીને આપ્યા.ચોરીનો ખુબ માલ જોઈને સ્ત્રીઓએ રાત્રીના સમયે વિચાર કર્યો,'આ કાયમ ચોરી કરે છે એટલે એક દિવસ રાજા તેને પકડી લેશે.રાજા તેની પાસેથી આ બધું ધન લઇ લઈને જરૂર તેને મૃત્યુ દંડની સજા કરશે.હવે એક દિવસ તેને મરવાનું જ છે.તો આપણે જ ધનને બચાવવા તેને છુપી રીતે કેમ ન મારી નાખીયે.તેને મારીને તેની    માલ મિલકત લઈને ગમે ત્યાં જતા રહીશું'.એવો નિર્ણય કરીને તેઓએ ધન્ધુકારીને દોરીથી મજબૂત બાંધી દીધો અને તેના ગળામાં ફાંસીનો ફંડો લગાવી તેને મારવાનો પ્રયત્ન કર્યો.તેનાથી તે જલ્દી ન માર્યો એટલે તેઓ ખુબ ચિંતામાં પડી.ત્યારે તેઓએ તેના મોઢા પર સળગતા અંગારા નાખ્યા તેથી અગ્નિની જવાળાઓથી છટપટાતો તે મરી ગયો.તેઓએ તેના શરીરને એક ખાડામાં દાટી દીધું.
સાચું છે ક્યારેક સ્ત્રીઓ પણ દુ;સાહસી હોય છે તેમના આ કૃત્યની કોઈને ખબર ન પડી.લોકોના પૂછવા પર તેઓ કહી દેતી કે 'પૈસાના લોભથી અમારો પ્રિયતમ આ વખતે ખુબ દૂર જતો રહ્યો છે.આ વર્ષમાં પાછો આવી જશે.બુદ્ધિવાળા માણસોએ દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય સમાગમ ન કરવો જોઈએ.જે મુર્ખાઓ તેમનો વિશ્વાસ કરે છે તેમને દુઃખી થવું પડે છે.તેઓની બોલી તો કામિયોંના હૃદયમાં અમૃત જેવા રસથી ભરી દે છે પણ તેમનું  હૃદય છરાની ધાર જેવું તીક્ષણ હોય છે.ભલા ! આવી સ્ત્રીઓને કોણ પ્યારું છે?


તે કુલતાઓ ધન્ધુકારીની બધી મિલકત લઈને ત્યાંથી ભાગી ગઈ તેના આવા  તો  કેટલાય પતિ હતા.અને ધન્ધુકારી તેના ખરાબ કામોને આધારે ભયંકર પ્રેત થયો.તે વટોળીયાની માફક કાયમ દશે દિશાઓમાં ભટકતો રહેતો અને ટાઢ તડકો વેઠતો ભૂખ તરસને કારણે 'હા નસીબ ! હા નસીબ !'એમ બૂમો પાડ્યા કરતો હતો.પણ તેને ક્યાંય પણ આશરો ન મળ્યો.કેટલોક સમય પસાર થયા પછી  ગોકર્ણે પણ લોકો પાસેથી ધન્ધુકારીના મૃત્યુના સમાચાર સાંભર્યા.અને તેથી તેને અનાથ સમજીને તેમણે તેનું  ગયાજીમાં  શ્રાદ્ધ કર્યું.તે જ્યાં જ્યાં જતા તેનું શ્રાદ્ધ જરૂર કરતા હતા
.
એવી રીતે ફરતા ફરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા.અને રાત્રીના સમયે લોકોની નજરથી બચતા પોતાના ઘરના આંગણામાં સુવા માટે ગયા.ત્યાં પોતાના ભાઈને સૂતેલો જોઈને ધન્ધુકારીએ અડધી રાતે પોતાનું વિકટ રૂપ બતાવ્યું.તે ક્યારેક ભૂંડ,ક્યારેક હાથી,ક્યારેક ભેંસ,અને ક્યારેક ઇન્દ્ર નું રૂપ ધારણ કરતો.છેલ્લે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો.આ વિપરીત અવસ્થાઓને જોઈને ગોકર્ણે નક્કી કર્યું કે તે કોઈ દુર્ગતિ મળી હોય તેવો જીવ છે.ત્યારે તેમણે તેને ધીરજથી પૂછ્યું,

ગોકર્ણે કહ્યું-તું કોણ છે? રાત્રીના સમયે આવા ભયાનક રૂપો કેમ બતાવી રહ્યો છે? તારી આવી દશા કેમ થઇ?તું મને બતાવ તું પ્રેત છે,પિશાચ છે અથવા કોઈ રાક્ષસ છે?

પ્રેતે કહ્યું -હું તારો ભાઈ છું. મારુ નામ છે ધન્ધુકારી.મેં મારા દોષો વડે મારુ બ્રાહ્મણપણું  નાશ કરી નાખ્યું.મારા કુકર્મોની ગણતરી કરી શકાય તેવી  નથી.હું તો ઘોર અજ્ઞાનમાં ચક્કર માર્યા કરતો હતો.તેનાથી મેં લોકોની ખુબ જ હિંસા કરી.છેલ્લે કમજાત સ્ત્રીઓએ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો.એટલે હવે હું પ્રેતયોનિમાં પડીને દુર્દશા ભોગવી રહ્યો છું.હવે નસીબજોગે કર્મફળ આવવાથી ફક્ત હવા ખાઈને જીવી રહ્યો છું.ભાઈ! તું કરુણાનો સાગર છે.હવે જલ્દીથી કોઈ પ્રકારે મને આ યોનિથી છોડાવ.ગોકર્ણે ધન્ધુકારીની પુરી વાત સાંભળી અને ત્યારે તેને કહ્યું.
ગોકર્ણે કહ્યું-ભાઈ! મને એ વાતની ખુબ જ નવાઈ લાગે છે -મેં તારા માટે વિધિપૂર્વક ગયાજીમાં પિંડદાન કર્યું,છતાં પણ તું પ્રેતયોનિમાંથી મુક્ત કેમ ન થયો?જો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ ન થાય તો પછી તેનો કોઈ ઉપાય નથી.ચાલ હવે તું એકદમ સ્પષ્ટ કહે -મારે હવે શું કરવું જોઈએ?

પ્રેતે કહ્યું- મારી મુક્તિ ગયા જેવા સેંકડો શ્રાદ્ધ કરવાથી પણ નહિ થાય હવે તું તેનો બીજો ઉપાય શોધ.
પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણને ખુબ જ નવાઈ લાગી અને કહેવા લાગ્યા-

'જો ગયા શ્રાદ્ધ જેવા સેંકડો શ્રાદ્ધથી તારી મુક્તિ ન થાય તો તારી મુક્તિ અસંભવ જ છે.ચાલ હવે તું નિર્ભય થઈને તારા સ્થાને રહે હું વિચાર કરીને તારી મુક્તિ માટે બીજો કોઈ ઉપાય કરીશ.

ગોકર્ણની આજ્ઞા માનીને ધન્ધુકારી ત્યાંથી તેના સ્થાન ઉપર જતો રહ્યો.અહીં ગોકર્ણે આખી રાત વિચાર કર્યો છતાં તેને કોઈ ઉપાય ન સુઝ્યો.સવારે તેને આવેલો જોઈને લોકો તેને પ્રેમથી મળવા આવ્યા ત્યારે રાત્રે જે કઈ બન્યું હતું તે ગોકર્ણે તેમને સંભળાવ્યું.એમાં જે લોકો જ્ઞાની,વિદ્વાન યોગનિષ્ઠ અને વેદજ્ઞ હતા તેમણે પણ ઘણા શાસ્ત્રો પલ્ટી પલટીને જોયા છતાં તેની મુક્તિનો કોઈ ઉપાય ન મળ્યો,ત્યારે બધાએ એ નક્કી કર્યું કે સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેજ કરવું જોઈએ.ત્યારે ગોકર્ણે તેના તપના પ્રભાવથી સૂર્યની ગતિને રોકી.

 તેણે સ્તુતિ કરી- 'ભગવાન! તમે આખી દુનિયાના સાક્ષી છો.હું તમને નમસ્કાર કરું છું.તમે મને કૃપા કરીને ધન્ધુકારીની મુક્તિનો માર્ગ બતાવો.' ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યનારાયણે દૂરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- 'શ્રીમદ ભાગવતથી મુક્તિ થઇ શકે છે માટે તું તેનું સપ્તાહ પારાયણ કર.'સૂર્યનું આ ધાર્મિક વચન ત્યાં સહુએ સાંભર્યું.ત્યારે બધાએ એજ કહ્યું કે 'પ્રયત્નથી તે જ કરો તે કરવું સહેલું પણ છે.'ત્યારે ગોકર્ણજી પણ તે પ્રમાણે નિર્ણય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થઇ ગયા.

દેશ અને ગામોમાંથી કેટલાય લોકો કથા સાંભળવા આવ્યા.કેટલાય લુલા-લંગડા,આંધળા,વૃદ્ધ અને મંદ બુદ્ધિ લોકો પણ પોતાના પાપોની નિવૃત્તિના હેતુથી ત્યાં આવી પહોંચ્યા.એવી રીતે ત્યાં એટલી બધી ભીડ જમા થઇ ગઈ કે દેવતાઓને પણ નવાઈ લાગતી હતી.હવે ગોકર્ણ વ્યાસગાદી ઉપર બેસીને કથા કહેવા લાગ્યા ત્યારે તે પ્રેત પણ ત્યાં આવી પહોંચ્યો અને બેસવા અહીં તહી સ્થાન શોધવા લાગ્યો.એટલામાં તેની નજર એક સીધા ત્યાં રાખેલા સાત ગાંઠ વાળા વાસ પર પડી.તેની નીચેના એક કાણામાં પેસીને તે કથા સાંભળવા બેસી ગયો.વાયુરૂપ હોવાથી તે બહાર ક્યાંય બેસી શકતો ન હતો એટલે વાસમાં પેસી ગયો.

ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને શ્રોતા બનાવ્યા અને પહેલા સ્કન્દથી સ્પષ્ટ શબ્દોમાં કથા સંભળાવવાની શરુ કરી દીધી. સંધ્યા સમયે જ્યારે કથાને વિશ્રામ આપવામાં આવ્યો ત્યારે એક વિચિત્ર વાત બની.ત્યાં સભાસદોની નજર સામે તે વાસની એક ગાંઠ તડ તડ અવાજ કરતી ફાટી ગઈ.એવી રીતે બીજે દિવસે બીજી ગાંઠ સંધ્યા સમયે ફાટી ,ત્રીજા દિવસે ત્રિજી. એવી રીતે સાત દિવસોમાં સાત ગાંઠોને ફોડીને ધન્ધુકારી બાર સ્કંધોને સાંભળવાથી પવિત્ર થઈને પ્રેત યોનિથી મુક્ત થઇ ગયો અને દિવ્ય રૂપ ધારણ કરીને બધાની સામે પ્રગટ થયો.તેનું મેઘ જેવું શ્યામ શરીર પીળા પીતામ્બર અને તુલસીની માળાઓથી શુશોભિત હતું.તથા માથા ઉપર મુકુટ અને કાનોમાં કમનીય કુંડળ ચળકી રહ્યા હતા.તેણે તરત તેના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું-'ભાઈ! તે દયા કરીને મને પ્રેત યોનિની મુશ્કેલીઓથી બચાવી લીધો.આ પ્રેત પીડાનો  નાશ કરનારી ભાગવત કથા ધન્ય છે.અને શ્રીકૃષ્ણ ચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું તેનું સપ્તાહ પારાયણ પણ ધન્ય છે.જયારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે ત્યારે બધા પાપો ધ્રુજવા લાગે છે કે હવે એ ભાગવતની કથા અમારો નાશ કરી દેશે.જેવી રીતે અગ્નિ સૂકી ભીની નાની મોટી બધી લાકડીઓને સળગાવી મૂકે છે એવી રીતે આ સપ્તાહ શ્રવણ મન વચન અને કર્મ દ્વારા કરેલા નવા જુના નાના મોટા -બધા પાપોને ભસ્મ કરી નાખે છે.'

વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું કે જે લોકો ભારતવર્ષમાં શ્રીમદ ભાગવતજીની કથા નથી સાંભળતા તેમનો જન્મ વ્યર્થ છે.ભલા,મોહથી વશ થઈને આ શરીરનું લાલન પાલન કરીને રૂષ્ટ પુષ્ટ અને તાકાતવાળું બનાવી લૈયે તો પણ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળ્યા વગર તેનો શું લાભ થાય ? હાડકા જ તેના આધારના થાંભલા છે,નસ નાડીયો ની દોરીથી તે બંધાયેલું છે.ઉપરથી તેને માસ અને લોહીથી આવરી તેના ઉપર ચામડી સજાવી  મઢવામાં આવ્યું છે.તેના દરેક અંગથી મળમૂત્રની દુર્ગંધ આવે છે કેમેકે તે મળમૂત્રનું જ ઘડતર છે.ઘડપણ અને શોકના કારણે પરિણામથી તે દુઃખી જ છે.રોગોનું તે ઘર કહેવાય.તે કાયમ કોઈને કોઈ કામનાઓથી પીડાતું રહે છે.ક્યારેય તેને સંતોષ નથી થતો.તેને ધારણ કરી રાખવું પણ એક ભાર જ છે.તેના રોમ રોમમાં દોષો ભરેલા છે.અને નાશ થવામાં તેને એક સેકન્ડ પણ નથી લાગતી.છેલ્લે દાટી દેવામાં આવે છે તો તેના કીડા બની જાય છે તેને કોઈ પશુ ખાઈ જાય છે,તો તે એક વિષ્ઠા બની જાય છે.અને અગ્નિમાં સળગાવી દેવામાં આવે તો ભસ્મનો ઢગલો થઈ જાય છે.આ ત્રણ જ તેની ગતિ બતાવામાં આવી છે.આવા અસ્થિર શરીરથી મનુષ્ય અવિનાશી ફળ આપવાવાળું કામ કેમ કરી નથી લેતો? જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે. પછી તેના રસથી પોષાતા શરીરની તકવાની શક્તિ કેવી?

આ લોકમાં સપ્તાહશ્રવણ કરવાથી ભગવાનની સીધી પ્રાપ્તિ થઇ શકે છે.એટલે બધા દોષોની મુક્તિ માટે તે એકમાત્ર ઉપાય છે.જે લોકો ભાગવતની કથા થી વંચિત છે તેતો પાણીના પરપોટા અને જીવોમાં મચ્છરો ની માફક મરવા માટે જ પેદા થાય છે. ભાઈ, જેના પ્રભાવથી જળ અને સુકાઈ ગયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે તેવા ભાગવતજીની કથા સાંભળવાથી  મનની ગાંઠો ખુલી જવાની કઈ મોટી વાત છે.સપ્તાહ શ્રવણ કરવાથી  મનુષ્યના હૃદયની ગાંઠો ખુલી જાય છે,તેની બધી શંકાઓ દૂર થઇ જાય છે.અને બધા કાર્યો સરળ થઇ જાય છે.આ ભાગવત કથારૂપ તીર્થ સંસાર ના કીચડને સાફ કરવા માટે મુખ્ય છે.વિદ્વાનોનું માનવું છે જયારે તે હૃદયમાં સ્થપાઈ જાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નક્કી સમજવી જોઈએ.

જે વખતે ધન્ધુકારી આ વાતો કહેતો  હતો ત્યારે તેને માટે સ્વર્ગમાં રહેનારા પાર્ષદો સાથે એક વિમાન ઉતર્યું,
તેનાથી ચારેબાજુ મંગલમય પ્રકાશ ફેલાઈ ગયો.બધા લોકોની સામેજ ધન્ધુકારી તે વિમાનમાં ચઢી ગયો.ત્યારે તે વિમાન સાથે આવેલા પાર્ષદોને જોઈ તેમને ગોકર્ણે આ વાત કહી,

ગોકર્ણે પૂછ્યું-ભગવાનના પ્રિય પાર્ષદો ! અહીં તો અમારા કેટલાય શુદ્ધ હૃદયવાળા શ્રોતાગણો છે.તે બધાને માટે આપ લોકો એક સાથે ઘણા બધા વિમાનો કેમ ન લાવ્યા? હું જોઈ શકું છુકે અહીં સહુએ  સરખી રીતે કથા સાંભળી છે.પછી તેના ફળમાં આવી રીતનો ભેદ કેમ કર્યો તે કહો.

ભગવાનના સેવકોએ કહ્યું-હે માનનીય!આ ફળભેદનું કારણ તેનો સાંભળવાનો ભેદ જ છે.તે સાચું છે કે બધાએ સરખી રીતે કથા સાંભળી છે.પણ તેના જેવું મનન નથી કર્યું.તેનાથી એક સાથે ભજન કરવા છતાં પણ તેના ફળમાં ભેદ રહ્યો.આ પ્રેતે સાત દિવસો સુધી ભૂખા  રહીને કથા સાંભળી હતી.અને તેણે ખૂબ જ ઊંડા
 ધ્યાનથી સ્થિર થઈને મનન કર્યું હતું.જે જ્ઞાન દ્રઢ નથી હોતું તેનો નાશ થઇ જાય છે.આવી રીતે ધ્યાન ન દેવાથી શ્રવણનું,સંદેહથી મંત્રોનું અને મન અહીં તહી ભટકતા રહેવાથી જપોનું  પણ કોઈ ફળ મળતું નથી.વૈષ્ણવ વગરનો દેશ,અપાત્રને કરાવેલું શ્રાદ્ધનું ભોજન,અસ્રોતરીયોને અપાયેલું દાન અને આચારવિનાના કુળ-આ સર્વેનો નાશ થઇ જાય છે.ગુરુવચનોમાં વિશ્વાસ,દીનતાનો ભાવ,મનના દોષો ઉપર વિજય,અને કથામાં ચિત્તની એકાગ્રતા આટલા નિયમોનું જો પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે.કદાચ આ શ્રોતાઓ ફરીથી શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો જરૂર સહુને સ્વર્ગની પ્રાપ્તિ થશે.અને ગોકર્ણજી ! તમોને ભગવાન જાતે આવીને ગોલોકમાં લઇ જશે.
એમ કહીને તે બધા પાર્ષદો હરિ કીર્તન કરતા વૈકુંઠલોક માટે નીકળી ગયા.
 શ્રાવણમાસમાં ગોકર્ણજીએ સપ્તાહ ક્રમથી ફરીથી કથા સંભળાવી અને તે શ્રોતાઓએ તેને ફરીથી સાંભળી.નારદજી ! તે કથાની પુર્ણાહુતી સમયે શું થયું તે સાંભળો.ત્યાં ભક્તોથી ભરેલા વિમાન સાથે શ્રી ભગવાન પ્રગટ થયા.બધી બાજુથી જય જયકાર અને નમસ્કારના અવાજો થવા લાગ્યા.ભગવાને જાતે ખુબ ખુશ થઇને પોતાનો પાષજન્ય શંખ વગાડવા લાગ્યા અને ગોકર્ણજીને હૃદય સરસા ચાંપી પોતાના જેવા બનાવી દીધા.તેમણે ક્ષણમાત્રમાં બીજા બધા શ્રોતાઓને પણ મેઘના જેવા શ્યામવર્ણ,રેશમી પીતામ્બરધારી તથા કિરીટ અને કુંડળ વગેરેથી વિભૂષિત કર્યા.તે ગામના કુતરા ચાંડાલ વગેરે જીવોને પણ ગોકર્ણજીની કૃપાથી વિમાનમાં ચઢાવી દેવામાં આવ્યા.અને જ્યાં યોગીજનો જાય છે તેવા ભાગવત ધામમાં મોકલી આપવામાં આવ્યા.એવી રીતે ભક્તવત્સલ શ્રી કૃષ્ણ ભગવાન કથા શ્રવણથી પ્રસન્ન થઇ ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગ્વાલબાળોને પ્રિય ગોલોકધામ માટે જતા રહ્યા.પૂર્વકાળમાં જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામ સાથે સાકેતધામ આવ્યા હતા તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગદુર્લભ ગોલોકધામમાં લઇ ગયા.જે લોકોમાં સૂર્ય,ચંદ્ર અને સિદ્ધિઓની પણ ક્યારેય ગતિ થઇ શકતી નથી તેમાં તેઓ શ્રીમદ ભાગવતને સાંભળીને ગતિ કરી ગયા.
નારદજી! સપ્તાહયજ્ઞ દ્વારા કથા સાંભળવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે તેના વિષયમાં આપને  શું કહું? અજી ! જેણે પોતાના કાનોથી ગોકર્ણજીની કથાનો  એક અક્ષર પણ સાંભર્યો હતો તેઓ ફરીથી માતાના ગર્ભમાં નથી આવ્યા.જે ગતિને લોકો વાયુ,જળ અથવા પાંદડા ખાઈને શરીર સુકાવી ઘણા લાંબા સમય સુધી ઘોર તપસ્યા કરીને પ્રાપ્ત નથી કરી શકતા તેને સપ્તાહ શ્રવણથી સહેલાઈથી પ્રાપ્ત કરી લેવાય છે.આ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર બેઠેલા મુનીશ્વર શાંડિલ્ય પણ બ્રહ્માનંદમાં મગ્ન થઈને કરતા રહેતા હતા.આ કથા ઘણી જ પવિત્ર છે.એકજ વાર સાંભળવાથી બધાજ પાપોને ભસ્મ કરી નાખે છે.જો તેનો શ્રાદ્ધ સમયે પાઠ કરવામાં આવે તો તેના પિતૃજનોને ખુબ જ તૃપ્તિ થાય છે અને કાયમ પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અધ્યાય છઠ્ઠો

સપ્તાહ યજ્ઞની વિધિ


શ્રી સનકાદિ કહે છે -નારદજી! હવે અમો તમને સપ્તાહ શ્રવણની વિધિ બતાવીયે છીએ.આ વિધિ પહેલા લોકોની સહાયતા અને ધનથી કરાય એમ કહ્યું છે.પહેલા તો જઈને જોશીને બોલાવી મુહૂર્ત કઢાવવું જોઈએ અને જેમ વિવાહ માટે પહેલા પૈસાનો બંદોબસ્ત કરીયે છીએ તેવી રીતની જ ધન માટે વ્યવસ્થા કરવી જોઈએ.કથા શરુ કરવા માટે ભાદરવો,અષાઢ ,કારતક ,માગશર,અષાઢ અને શ્રાવણ -આ છ મહિનાઓ શ્રોતાઓ માટે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા છે.દેવર્ષિ ! આ મહિનાઓમાં પણ ભાદર-વ્યતિપાત જેવા કુયોગોને કાયમ કાઢી કાઢવા જોઈએ.તથા બીજા લોકો જે ઉત્સાહિત હોય તેને પોતાના સહાયક   બનાવી લેવા જોઈએ.પછી વ્યવસ્થા કરીને દેશ વિદેશમાં એવો સંદેશો મોકલવો જોઈએ કે અહીં કથા થશે બધા લોકોને સહકુટુંબ આમંત્રણ.સ્ત્રી અને શુદ્રો વગેરે ભાગવત કથા અને સંકીર્તનથી દૂર પડી જાય છે તેમને પણ ખાસ સૂચના અપાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.દેશ વિદેtશમાં જેઓ વિરક્ત વૈષ્ણવને હરિકીર્તનના પ્રેમી હોય તેમને માટે આમંત્રણ ખાસ મોકલાવું જોઈએ.એમને લખવાની વિધિ આ પ્રકારે બતાવવામાં આવી છે.
મહાનુભાવો! અહીં સાત દિવસ સુધી સત્પુરુષોનું મોટું દુર્લભ સમાગમ થવાનું છે અને ખુબજ રસમાયી શ્રીમદ્ભાગવતની કથા થશે.આપલોકો ભાગવત રસના રસિક છો એટલે શ્રીમદ ભાગવતની કથા નું શ્રવણ કરવા તરત પ્રેમપૂર્વક પધારવાની કૃપા કરો.કદાચ આપને વધારે અવકાશ ન હો તો એક દિવસ માટે જરૂર આવવું જોઈએ કેમકે અહીંની એક એક ક્ષણ પણ ખૂબ જ દુર્લભ છે.
આવી રીતે તેમને વિનયથી આમન્ત્રણ આપી જે લોકો આવે તેઓ માટે યથાવત રહેવાની વ્યવસ્થા કરવી.

કથાનું શ્રવણ કોઈ તીર્થ,વનમાં અથવા પોતાના ઘરમાં પણ શુભ માનવામાં આવ્યું છે.જ્યાં લાબું પહોળું મેદાન હોય ત્યાં કથાનું સ્થળ રાખવું જોઈએ.ભૂમિની શોધ,માર્જન અને લીપણ કરીને રંગ બેરંગી વસ્તુઓથી તેનો ચોક પૂરવો જોઈએ.ઘરની બધી વસ્તુઓ ઉઠાવીને એક ખૂણામાં મૂકી દેવી,.પાંચેક દિવસો પહેલા ઘણા પાથરણાંઓ ભેગા કરી લેવા અને કેળના થાંભલાથી એક ઊંચો સુંદર મંડપ તૈયાર કરાવવો.તેને બધા ફળ,ફૂલ પાંદડાઓ અને ચંદરવાથી અલંકારિત કરવા અને ચારેબાજુ ઝંડાઓ લગાવીને જુદા જુદા સાધનોથી સજાવવા.તે મંડપમાં ઉંચાઈ ઉપર મોટી બેઠક વ્યવસ્થા કરવી અને તેમાં જુદા જુદા બ્રાહ્મણોને બોલાવી બેસાડવા, આગળની બાજુ તેઓ માટે ત્યાં યથા પ્રમાણે આસન તૈયાર રાખવા.   તેની પાછળ વક્તા માટે એક દિવ્ય સિહાંસનની વ્યવસ્થા કરવી. જો વક્તાનો ચહેરો ઉત્તર બાજુ રહે તો શ્રોતાઓ પૂર્વાભિમુખ થઈને બેસે અને કદાચ વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓ ને ઉત્તરબાજુ ચહેરો રાખીને બેસવું જોઈએ.દેશ કાલ વગેરે જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવો નિયમ બતાવ્યો છે.જે વેદ શાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય,જુદા જુદા દાખલાઓ આપી શકતા હોય,તથા વિવેકી અને નિસ્પૃહ હોય,તેવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવા જોઈએ.શ્રીમદ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત ન કરવા જોઈએ જે પંડિત હોવા છતાં અનેક ધર્મોના ચક્કરમાં પડેલા,સ્ત્રી લંપટ,અને પાખંડના પ્રચારક હોય.વક્તાની પાસે તેની મદદ માટે એક તેવા જ વિદ્વાન ને સ્થાપિત કરવા જોઈએ.તે પણ બધી જાતના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોય.

કથા શરુ કરતાએક દિવસ પહેલા વ્રત મેળવવા માટે વક્તાસાથે નક્કી કરી લેવું જોઈએ.પવિત્રતાને ધ્યાનમાં રાખી સૂર્યોદય સમયે શૌચ ક્રિયા પછી સારી રીતે સ્ન્નાન કરવું.અને સંધ્યાદિ વગેરે પોતાના નિત્ય કર્મોને ટૂંકમાં પતાવી કથાના વિધ્નોની સમાપ્તિ માટે ગણેશજીનું પૂજન કરવું.તે ઉપરાંત પિતૃગણનું તર્પણ   કરી પૂર્વ પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડપ બનાવી તેમાં શ્રી હરિની સ્થાપના કરવી પછી ભગવાન શ્રી કૃષ્ણને લક્ષયમાં રાખી મંત્રોચાર થી ક્રમથી ષડષોપચાર વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા અને નમસ્કાર કરી આ રીતે સ્તુતિ કરવી.
'કરુણાનિધાન ! હું સંસારસાગરમાં ડૂબેલો અને ખુબ જ ગરીબ છું,કર્મોના મોહ રૂપી મગરે મને પકડી રાખ્યો છે.તમો આ સંસારસાગરથી મારો ઉદ્ધાર કરો.'
ત્યાર પછી ધૂપ દીવો વગેરે સામગ્રીઓથી શ્રીમદ્ભાગવતજીની ખુબ જ આનંદ સાથે પ્રીતિથી વિધિ વિધાન પ્રમાણે પુંજા કરવી.પછી પુસ્તકની સામે નારિયેર મૂકીને વંદન કરવું.અને પ્રસન્ન મનથી આ પ્રમનાએ પ્રાર્થના કરવી-
'શ્રીભાગવતજીના રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રજી જ વિરાજમાન છો.નાથ ! મેં ભવસાગરથી છુટકારો મેળવવા માટે તમારું શરણું લીધું છે.મારો આ મનોરથ તમો વિઘ્નો વગર સંપૂર્ણ કરો.હે કેશવ ! હું તમારો દાસ છું.

આવી રીતે દીન વચનો કહીને પછી વક્તાનું પૂજન કરવું.તેમને સુંદર વસ્ત્રોથી સજાવ્યા પછી પુંજા દરમ્યાન આ પ્રકારની પ્રાર્થના કરવી-
'શુકસ્વરૂપ ભગવાન !તમો સમજાવવાની કળામાં કુશળ અને બધા શાસ્ત્રોમાં પારંગત છો.કૃપા કરી આ કથા પ્રકાશિત કરી મારુ અજ્ઞાન દૂર કરો'

પછી પ્રસન્ન મનથી તેમની સામે નિયમ લેવો અને સાત દિવસ સુધી તેનું થઇ શકે તો પાલન કરવું.કથામાં વિઘ્ન ન આવે માટે બીજા પાંચ બ્રાહ્મણોને નિયુક્ત કરવા જે દ્વાદશાક્ષર મંત્ર દ્વારા ભગવાનના નામોનો જાપ કરે.પછી બ્રાહ્મણો ,બીજા વિષ્ણુ ભક્તો અને કીર્તનકારને વંદન કરી તેમની પુંજા કરવી.અને તેઓની આજ્ઞા મેળવી પોતે પણ આસન ઉપર બેસી જવું.જે પુરુષ લોકો ,સંપત્તિ,ધન,ઘર અને પુત્ર વગેરેની ચિંતા છોડી શુદ્ધ મનથી ફક્ત કથામાં જ ધ્યાન કેળવે છે તેને તેના શ્રવણનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

બુદ્ધિશાળી વક્તાએ સૂર્યોદયમાં કથા શરુ કરી સાડાત્રણ કલાક સુધી મધ્યમ સ્વરમાં સારી રીતે કથા   વાંચવી.બપોરના સમયે બે કલાક કથા બંધ રાખવી.તે સમયે કથાના પ્રસંગો અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ-નકામી વાતો ન કરવી જોઈએ.કથા દરમ્યાન મળમૂત્રના આવેગનો કાબુ રાખવા અલ્પાહાર સુખકારી હોય છે.માટે શ્રોતાઓએ એક વખત હળવું ભોજન કરવું.
જો શક્તિ હોય તો સાત દિવસ આહાર વગર રહીને કથા સાંભળવી,અથવા ફક્ત દૂધ પીને સુખપૂર્વક કથા સાંભળવી.અથવા
ફળાહાર કે એક જ વખત ભોજન કરવું.જેનાથી જેવો સરળ નિયમ સાંધી શકાય તેવો નિયમ કથાના શ્રવણ માટે કરવો.હું તો ઉપવાસની અપેક્ષા વગર ભોજન કરવાનું સારું સમજુ છું.જો તે કથા શ્રવણમાં સહાયક હોય.જો ઉપવાસથી કથામાં વાંધો આવતો હોય તો તે કોઈ કામનું નહિ.

નારદ
જી ! નિયમથી સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો.વિષ્ણુભક્તિની દીક્ષાથી રહિત પુરુષ કથાશ્રવણનો અધિકારી નથી.જે પુરુષ નિયમથી કથા સાંભળે તેણે બ્રહ્મચર્ય પાળવું,ધરતી ઉપર સૂવું અને નિત્ય કથા સમાપ્તિ પછી પાંદડાની બાજ ઉપર ભોજન કરવું.દાળ,મધ,તેલ,ગળી ગયેલું અન્ન સ્વાદદૂષિત અન્ન,વાસી અનાજ - એ સર્વેનો તેણે કાયમ માટે ત્યાગ કરવો જોઈએ. કામ,ક્રોધ,માન,મત્સર,લોભ,દંભ,મોહ અને દ્વેષને પોતાની પાસે ક્યારેય આવવા દેવા ન જોઈએ.તેણે વેદો ,વૈષ્ણવ,બ્રાહ્મણ,ગુરુ,ગૌસેવક અને સ્ત્રી તથા રાજા અને મહાપુરૃષોની નિંદાથી બચવું જોઈએ.નિયમથી કથા સાંભળતા પુરુષ,રજસ્વલા સ્ત્રી,અંત્યજ,મ્લેચ્છ,પતિત,ગાયત્રીહિન ધ્વિજ,બ્રાહ્મણોનો દ્વેષ કરનાર,અને વેદને ન માનનારા પુરુષો સાથે વાત ન કરવી જોઈએ.કાયમ માટે સત્ય,શૌચ,દયા,મૌન,સરળતા,વિનય અને ઉદારતાનો વર્તાવ કરવો જોઈએ.ધન વગરનો,ક્ષયરોગી,કોઈપણ બીજા રોગોથી પીડાતો,કમનસીબ,
પાપી,પુત્રહીન અને મુમુક્ષી પણ આ કથા સાંભળે.જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય,જે એક જ સંતાનની માતા થઇ રહી ગઈ હોય, વાંઝ હોય,જેને સંતાન થઈને મરી જતું હોય,તેણે તો ચોક્કસ આ કથા સાંભળવી જોઈએ.આ બધા જો વિધિપૂર્વક કથા સાંભળે તો તેમને અક્ષય ફૂલની પ્રાપ્તિ થઇ શકે છે.આ અતિ ઉત્તમ કથા કરોડો યજ્ઞોના ફળ આપનારી છે.

આ પ્રમાણે આ વ્રતની વિધિઓનું પાલન કરીને શરૂઆત કરવી.જેને તેના વિશેષ ફળની ઈચ્છા હોય,તે જન્માષ્ટમી વ્રતની માફક જ આ કથાની શરૂઆત કરે.પણ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેઓ માટે આવી શરૂઆતનો કોઈ આગ્રહ નથી તેઓ તો શ્રવણથી જ પવિત્ર છે; કેમેકે તેઓ તો નિષ્કામ ભગવાનના ભક્તો છે.
આવી રીતે જયારે સપ્તાહયજ્ઞની સમાપ્તિ થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ પૂર્વક પુસ્તક તેમજ વક્તાની પુંજા કરવી જોઈએ.પછી વક્તા શ્રોતાઓને પ્રસાદ,તુલસી અને પ્રસાદી માળાઓ આપે તથા બધા લોકો ઢોલક અને ઝાંઝના સુંદર સંગીતથી કીર્તન કરે. જયજયકાર,નમસ્કાર અને શંખધ્વનિનો નાદ કરાવે.તથા બ્રાહ્મણો અને માંગનારાઓને ધન અને અન્ન આપે.શ્રોતા વિરક્ત હોય તો બીજા દિવસે કર્મ શાંતિ માટે ગીતાપાઠ કરે.,ગૃહસ્થ હોય તો હવન કરે.તે હવનમાં દશમાં સ્કંધનો એક એક શ્લોક વાંચી વિધિપૂર્વક ખીર,મધ,દૂધ,તલ અને અન્ન વગેરે સામગ્રીઓથી આહુતિ આપે.
અથવા એકાગ્ર મનથી ગાયત્રીમંત્ર થી હવન કરે; કારણકે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રીસ્વરૂપ જ છે.હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણોને હવનસામગ્રી દાન કરવી.અને નાના પ્રકારની ત્રુટીઓ દૂર કરવા માટે અને વિધિમાં જે નકારક્તા રહી ગઈ હોય તેના દોષોની શાંતિ માટે વિષ્ણુસહસ્ત્ર પાઠ કરવા,તેનાથી બધા કર્મો સફળ થઇ જાય છે, કેમકે કોઈ પણ કર્મ તેનાથી મોટું નથી.

પછી બાર બ્રાહ્મણોને ખીર અને  મીઠા એવા સરસ સરસ પકવાન ખવડાવવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય  અને સોનાનું દાન કરવું.સમર્થ હોય તો ત્રણ તોલા સોનાનું સિંહાસન બનાવી તેના ઉપર સુંદર અક્ષરોમાં લખેલું શ્રીમદ્ભાગવતનું પુસ્તક મૂકી તેનું આવાહન વગેરે જુદા જુદા ઉપચારોથી પુંજા   કરવી અને પછી ઈદ્રિયોને જેણે જીતી છે તેવા આચાર્યને તેમનું વસ્ત્ર, આભૂષણો ગંધ,કંકુ વગેરેથી પુંજી દક્ષિણા સાથે આપવા.આવું કરવાથી તે બુદ્ધિમાન દાતા જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઇ જાય છે.આ સપ્તાહશ્રણની વિધિ બધા પાપોથી નિવૃત કરાવનારી છે.તેનું આવી રીતે સારી રીતે પાલન કરવાથી આ મંગલમય ભગવતપુરાણ એકદમ ઉત્તમ ફળ પ્રદાન કરે છે અને અર્થ,ધર્મ,કામ મોક્ષ આ ચારેય ની પ્રાપ્તિનું સાધન બની જાય છે તેમાં કોઈ સંદેહ નથી.

સનકાદિ કહે છે-નારદજી ! આવી રીતે તમને આ સપ્તાહ શ્રવણની વિધિ અમે પુરે પુરી સંભળાવી,હવે વધારે શું સાંભળવું છે? આ શ્રીમદ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને મળી જાય છે.

સુતજી કહે છે-શૌનકજી! આવું  કહીને  એક અઠવાડિયા સુધી મહામુનિ શ્રી સનકાદિને વિધિપૂર્વક આ બધાજ પાપોનો નાશ કરનારી,પરમ પવિત્ર મોક્ષ અને ભોગ આપનારી ભાગવત કથા સંભળાવી.બધાજ પ્રાણીઓએ તેને નિયમપૂર્વક સાંભળી.ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરી.કથાના અંતમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ઉન્નતિમાં ખુબ વધારો થયો તેઓ ત્રણેય પુષ્ટ થઈને બધાજ જીવોને પોતાના તરફ આકર્ષવા લાગ્યા.પોતાની ઈચ્છા પૂર્ણ થતા નારદજીને પણ ખુબ આનંદ થયો.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો અને તેઓ પરમાનંદિતથી પૂર્ણ થયા.આવી રીતે કથા સાંભળીને ભગવાનના પ્યારા ભક્ત નારદજી હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીથી સનકાદિને કહેવા લાગ્યા.

નારદજીએ કહ્યું-હું ધન્ય છું,તમે લોકોએ દયા કરીને મને ખુબ જ અનુગૃહીત કર્યો છે.આજે મેં  બધા પાપોના હરનારા શ્રી હરિને જ મેળવી લીધા.તપોધનો ! હું શ્રીમદ ભાગવતજીને  જ બધા ધર્મોમાં ઉત્તમ માનું છું.કેમકે તેને સાંભળવાથી વૈકુંઠ(ગોલોક)વિહારી શ્રી કૃષ્ણજી ની પ્રાપ્તિ થાય છે.

સુતજી કહે છે-શૌનકજી ! વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં ફરતા ફરતા શુકદેવજી આવી ચડ્યા.કથા સમાપ્ત થતા જ વ્યાસ નંદન શ્રી શુકદેવજી ત્યાં આવ્યા.સોલ વર્ષ જેટલી ઉંમર આતમલાભથી સંપૂર્ણ,જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા તે ચંદ્રમા જેવા પ્રેમથી ધીરે ધીરે પાઠ કરી રહ્યા હતા.પરમ તેજસ્વી શ્રી શુકદેવજીને જોઈને બધા સભાસદો એકદમ ઉભા થઇ ગયા. અને તેમને એક ઊંચા આસાન ઉપર બેસાડ્યા.પછી દેવર્ષિ નારદજીએ તેમનું પૂજન કર્યું.તેમણે આનંદથી બેસીને કહ્યું -'તમે લોકો હવે મારી પવિત્ર વાણી સાંભળો'

શ્રી શુકદેવજીએ કહ્યું-રસીક અને ભાવિક જનો ! આ શ્રીમદ ભાગવત વેદરૂપ કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે.શ્રી શુકદેવજી રૂપ શુકના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે.આ રસ એવો રસ છે જેમાં છાલ પણ નથી અને નથી ગોટલી.તે આ લોકમાં સુલભ છે.જ્યા સુધી આપના શરીરમાં ચેતના રહે  ત્યાં સુધી આપ લોકો તેને વારંવાર પીતા રહો. મહામુનિ વ્યાસદેવે  શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે.તેમાં નિષ્કર્મ,નિષ્પાપ પરમ ધર્મનું નિર્માણ છે.તેમાં શુદ્ધાન્ત:કરણ  સતપુરુષોને જાણવા યોગ્ય કલ્યાણ કરનારી વાસ્તવિક વસ્તુઓનું વર્ણન છે,જેનાથી ત્રણેય તાપોની શાંતિ થાય છે.તેનો આશ્રય લેવાથી બીજા શાસ્ત્ર કે સાધનની જરુર  રહેતી નથી.જયારે કોઈ પુણ્યશાળી પુરુષ તેના શ્રવણની ઈચ્છા કરે છે ત્યારે જ ભગવાન તેના હૃદયમાં વિના વિલંબ સ્થાપિત થઇ જાય છે.આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે.તેમાં પરમહંસો થી પ્રાપ્ત વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સાથે નિવૃત માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે.જે  પુરુષ તેના ભક્તિ પૂર્વક શ્રવણ,પઠન,અને મનન થી તત્પર રહે છે તે મુક્ત થઇ જાય છે.આ રસ સ્વર્ગલોક,સત્યલોક,કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી.એટલે ભાગ્યવાન શ્રોતાઓ ! તમે તેને ખુબ પીઓ,તેને ક્યારેય ન છોડો.ન છોડો.


સુતજી કહે છે -શ્રી શુકદેવજી એવી રીતે કહી રહ્યા હતા ત્યાં તે સભાની વચ્ચોવચ્ચ પ્રહલાદ,બાલી,ઉદ્ધવ અને અર્જુન વગેરે પાર્ષદો સાથે શ્રી હરિ સાક્ષાત પ્રગટ થઇ ગયા.ત્યારે દેવર્ષિ નારદે ભગવાન અને તેમના ભક્તોની ઉચિત પુંજા કરી.ભગવાનને પ્રસન્ન જોઈને તેમને એક ઊંચા સિંહાસન ઉપર બેસાડ્યા.અને બધા લોકો તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા.તે કીર્તનને જોવા શ્રી પાર્વતી સાથે શ્રી મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. કીર્તન શરુ થયું.પ્રહલાદજી તો ઉતાવળા થઈને કરતાલ વગાડવા લાગ્યા.ઉદ્ધવજીએ ઝાંઝ ઉપાડી.દેવર્ષિ નારદ વીણા વગાડવા લાગ્યા. ગાવામાં નિપુર્ણ એવા અર્જુન રાગ આલાપવા લાગ્યા.ઇન્દ્રએ મૃદંગ વગાડવાનું શરુ કર્યું.સનકાદિ વચ્ચે વચ્ચે જયઘોષ કરવા લાગ્યા.અને બધાથી આગળ શુકદેવજી જાત જાતના અંગો હલાવી ભાવ બતાવવા લાગ્યા.તે બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય નટોની માફક નાચવા લાગ્યા.તેવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થઇ ગયા અને આવી રીતે કહેવા લાગ્યા .-
'હું તમારી આ કથા અને કીર્તનથી ખુબ જ પ્રસન્ન છું.તમારા ભક્તિભાવે અત્યારે મને તમારા વશમાં કરી લીધો છે.એટલે તમો લોકો મારી પાસે વરદાન માંગો.'
ભગવાનના આ વચનો સાંભળીને બધા લોકો ખૂબ જ પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક ભગવાનને કહેવા લાગ્યા.-
'ભગવન ! અમારી એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં જ્યાં પણ સપ્તાહ કથા થાય ત્યાં આપ આ પાર્ષદો   સાથે જરૂરથી પધારશો.અમારા આ મનોરથો પૂર્ણ કરો.ભગવાન 'તથાસ્તુઃ' કહીને અંતર્ધ્યાન થઇ ગયા.

તેના પછી નારદજીએ ભગવાન અને તેમના પાર્ષદોના ચરણોને લક્ષયમા લઇ પ્રણામ કર્યું અને પછી શુકદેવજી વગેરે તપસ્વીઓએ પણ નમસ્કાર કર્યા.કથામૃતનું પાન કર્યા પછી બધા લોકોને ખુબ આનંદ થયો તેમનો બધો મોહ નષ્ટ થઇ ગયો.પછી તે બધા પોત પોતાના સ્થાનોમાં જતા રહ્યા.તે વખતે શુકદેવજીએ ભક્તિને તેના પુત્રો સાથે પોતાના શાસ્ત્રમાં સ્થાપિત કરી દીધા.તેનાથી ભાગવતનું સેવન કરવાથી શ્રી હરિ વૈષ્ણવોના હૃદયમાં આવી બેસી જાય છે.જે લોકો ગરીબાઈના દુઃખ જ્વર ની જ્વાળાઓથી પીડાય રહ્યા છે જેઓને માયા પિશાચે રગડી નાખ્યા છે, અને જેઓ સંસારસાગરમાં ડૂબી રહ્યા છે.તેઓનું કલ્યાણ કરવા શ્રીમદ્ભાગવત સિંહનાદ કરી રહ્યું છે.

શૌનકજીએ પૂછ્યું-સુતજી ! શુકદેવજીએ રાજા પરીક્ષિતને,ગોકર્ણજીએ  ધન્ધુકારીને અને સનકાદિને નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો-મારો આ સંશય દૂર કરો.

સુતજીએ કહ્યું- ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામગમન પછી કળિયુગના ત્રીસેક કે વધારે વર્ષો વીતી ગયા પછી
ભાદરવા માસની સુદ નવમીએ શુકદેવજીએ કથા શરુ કરી હતી.રાજા પરીક્ષિતે કથા સાંભળ્યા પછી કળિયુગના બસો વર્ષો વીત્યા પછી અષાઢ મહિનાની સુદ નવમીએ ગોકર્ણજીએ આ  કથા સંભળાવી હતી.તેના પછી કળિયુગના બીજા ત્રીસ વર્ષો વીત્યા પછી કારતક માસની સુદ નોમે સનકાદિને કથા શરુ કરી હતી.નિષ્પાપ શૌનકજી ! તમે મને જે કઈ પૂછ્યું હતું તેનો જવાબ મેં આપી દીધો.આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનો રામબાણ ઉપાય છે.

સંતજન ! તમો આદરથી આ કથામૃતને સાંભળો.આ શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય બધા દુઃખોનું નાશ કરનારું મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનારૂ છે.લોકોમાં બીજા કલ્યાણકારી સાધનોનો વિચાર કરવો અને તીર્થોનું સેવન કરવાથી શું થશે.

પોતાના દૂતને હાથમાં પાશ લીધેલો જોઈને યમરાજા તેના કાનોમાં કહે છે-
'જુઓ જેઓ ભગવાનની કથા વાર્તામાં મગ્ન હોય તેનાથી દૂર રહેજો.હું બીજાઓને જ દંડ આપવામાં સક્ષમ છું વૈષ્ણવોને નહિ.'

આ અસાર રૂપી સંસારમાં વિષય રૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ થતા બુદ્ધિશાળી પરુષો !
તમારા કલ્યાણ માટે અડધી ક્ષણ માટે પણ આ શુકકથારૂપ અનુપમ અમૃતનું પાન કરો.
પ્યારા ભાઈયો !  નિંદિત કથાઓથી ભરેલા કુમાર્ગમાં શા માટે ભટકી રહ્યા છો?  આ કથાના કાનમાં પ્રવેશ કરતા જ મુક્તિ મળી જાય છે. તે વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે.શ્રી શુકદેવજીએ પ્રેમ રસના પ્રવાહમાં સ્થગિત થઈને આ કથા કહી હતી.તેનો જેના કંઠ સાથે સબંધ થઇ જાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. શૌનકજી ! મેં અનેક શાસ્ત્રોને જોઈને તમને આ પરમ ગોપ્ય રહસ્ય હમણાં જ સંભળાવ્યું છે.બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો તે નિચોડ છે.સંસારમાં આ શુકશાસ્ત્ર  થી વધારે પવિત્ર કોઈ વસ્તુ નથી.એટલે તમેં લોકો પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશસ્કંધરૂપ રસનું પાન કરો.જે પરુષ આ કથાનું નિયમપૂર્વક ભક્તિભાવથી શ્રવણ કરે છે અને જેઓ શુદ્ધ અંત:કરણથી ભગવત ભક્તોની સામે  તેને સંભળાવે છે તે બંને જ વિધિનું પૂરેપૂરું પાલન કરવાના કારણે તેનું યથાર્થ ફળ મેળવે છે.તેમના માટે ત્રિલોકમાં  કશું જ અસાધ્ય નથી રહેતું.


શ્રીમદ  ભાગવત માહાત્મ્ય સમાપ્ત.


વધુ  શ્રીમદ ભાગવત  પ્રથમ સ્કંદમા( keep cont. reading Shreemad Bhagvat)



વધુ  શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંદ સાથે મે માસની ૨૦ તારીખ ના રોજ જે મે માસની પહેલી પોસ્ટમાં જમણી બાજુના કોલમમાં ઉપલબ્ધ હશે 

આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં ઓક્ટોમ્બરની ૨ જી પોસ્ટ માં ઉપલબ્ધ છે.આપનો અભિપ્રાય 
તેમજ સૂચન જરૂર આપશો.આભાર.

નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
જય શ્રીકૃષ્ણ.

Saturday, October 12, 2019

માં જગદંબા ભવાની (ડીવીડી)


માં જગદંબા ભવાની




માં જગદંબા ભવાની
આ એક માતાજીની ડીવીડી છે
તેમાં હે જગજનની,(ભજન)માડી તારું કંકુ(ભજન),માતાજી સ્તવન,ટૂંકો ચંડીપાઠ,સપ્ત સ્લોકી દુર્ગા,
દેવી કવચ ,દુર્ગા ચાલીસા,માતાજીના ગરબા તેમજ માતાજીની આરતીનો સમાવેશ છે.
કિંમત:૭.૦૦  ડોલર +શિપિંગ છે.

contact:ompainting@gmail.com